નવી દિલ્હીઃ રાજ્યસભામાં શુક્રવારે કોરોના વાયરસની સ્થિતિ પર વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે, અમે જ્યારે આપણા વિદ્યાર્થીઓને લેવા માટે વુહાનમાં વિમાન મોકલ્યું ત્યારે અમે આપણા પાડોશી દેશોને પણ મદદની ઓફર કરી હતી કે તેમના લોકોને પણ બહાર કાઢવામાં ભારત મદદ કરશે. માલદીવે ભારતની મદદની ઓફરનો સકારાત્મક વલણ દાખવ્યું હતું. ત્યારબાદ અમે તેમના પણ વિદ્યાર્થીઓ અને લોકોને સુરક્ષિત રીતે અહી લઇ આવ્યા અને તેઓને માલદીવ પહોંચાડી દેવામાં આવશે.


વિદેશમંત્રીએ કહ્યું કે, વિદેશમંત્રાલય ચીનમાં રહેતા વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. સાથે જ ચીની ઓથોરિટી સાથે પણ અમે સતત સંપર્ક જાળવી રાખ્યો છે. આ અગાઉ રાજ્યસભામાં કેન્દ્રિય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, કોરોના વાયરસનો સામનો કરવા માટે સરકારે ઉઠાવેલા પગલાઓની જાણકારી આપી હતી.


નોંધનીય છે કે ચીનના વુહાન શહેરથી માલદીવના સાત નાગરિકો ભારત આવ્યા છે. આ લોકો કોરોના વાયરસથી પ્રભાવિત વુહાન શહેરમાં ઘણા દિવસથી ફસાયેલા હતા. આ સાત લોકોને બહાર કાઢવા બદલ માલદીવ સરકારે ભારતનો આભાર માન્યો હતો. માલદીવના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદી અને વિદેશમંત્રીનો આભાર માન્યો હતો.