નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર(Coronavirus Second Wave) બેકાબૂ બની છે. હાલમાં દેશમાં એક જ દિવસમાં 80 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર (Maharashtra), યુપી, પંજાબ, ગુજરાત (Gujarat), દિલ્હી સહિત દેશના આઠ રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા. નિષ્ણાતોના કહેવા મુજબ બીજી લહેરમાં કોરોના વધુ જોખમી છે. તેમાં ન માત્ર ચેપગ્રસ્ત લોકોની સંખ્યા જ વધી રહી છે, પરંતુ મૃતકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. આ કારણોસર કોરોનાને ફેલાતો રોકવા માટે દેશના ઘણાં શહેરોમાં લોકડાઉન લાદવામાં આવી રહ્યું છે.


મહારાષ્ટ્રમાં લોકડાઉનના સંકેત, પુણેમાં આંશિક લોકડાઉન


મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ લોકડાઉનના (Maharashtra Lockdowon) સંકેત આપ્યા હતા. જ્યારે પુણેમાં આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. એક સપ્તાહ માટે સાંજે છથી સવારે 6 સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. દરેક પ્રકારના મોલ અને સિનેમા હોલ, રેસ્ટોરન્ટ, ખાવાની દુકાન વગેરે બંધ રહેશે. માત્ર હોમ ડિલીવરીની સેવા ચાલુ રહેશે. સ્કૂલ કોલેજ પણ 30 એપ્રિલ સુધી બંધ કરવામાં આવ્યા છે. દેશમાં જેટલા કેસ આવી રહ્યા છે તેના અડધા કેસ એક મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે. એવામાં સરકાર લોકડાઉન વિશે વિચારી તો શકે છે પરંતુ સહયોગી પાર્ટી સાથ નથી આપી રહી. બીજી બાજુ ભાજપ પણ મહારાષ્ટ્રમાં લોકડાઉન વિરૂદ્ધમાં છે.


છત્તીસગઢના દૂર્ગમાં સંપૂર્ણ તાળાબંધી


દુર્ગ જિલ્લામાં પ્રશાસને સંપૂર્ણ લોકડાઉનનો આદેશ જાહેર કર્યો છે. 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી દુર્ગ જિલ્લામાં લોકડાઉન રહેશ. જ્યારે બેમેતરા જિલ્લાના શહેરી વિસ્તારમાં બપોરે બે વાગ્યા બાદ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. છત્તીસગઢમાં ઘણા જિલ્લાઓમાં સાપ્તાહિક બજારો ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે. જેની વચ્ચે સ્વાસ્થ્ય કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. પ્રદેશના 20 જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યું છે.


મધ્ય પ્રદેશ : ચાર જિલ્લાઓમાં લોકડાઉન


કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશ સરકારે રાજ્યના ચાર શહેરોમાં લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે.  


યૂપીમાં પ્રશાસન કડક


ઉત્તર પ્રેદશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધોરણ 8 સુધીની તમામ સ્કૂલ 11 એપ્રિલ સુધી બંધ કરવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે કે શિક્ષકોએ સ્કૂલોમાં આવવું ફરજિયાત હશે. ઉપરાંત ધોરણ 9થી 12 સુધીના ક્લાસમાં બાળકો સ્કૂલમાં આવે ત્યારે કોવિડ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવાનું રહેશે. જો એવું નહીં થાય તો સ્કૂલ વિરૂદ્ધ કાર્રવાઈ કરવામાં આવશે.


દિલ્હીમાં હાલ લોકડાઉન નહીં, ભવિષ્યમાં.....


દિલ્હીમાં વધતા કોરોના કેસને લઈને મુખ્યમંત્રીએ શુક્રવારે એક ઇમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ કેજરીવાલે સ્પષ્ટતા કરી છે કે લોકડાઉન લગાવાવનો કોઈ વિચાર નથી અને જો ભવિષ્યમાં જરૂર પડી તો લોકો સાથે વાતચીત કરીને નિર્ણય લેવામાં આવશે.