India Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી કાર્યવાહી રોકવા માટે સમજૂતી થયા પછી કોંગ્રેસે શનિવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક સર્વપક્ષીય બેઠક અને સંસદનું વિશેષ સત્ર તાત્કાલિક બોલાવવું જોઈએ જેથી દેશ એક થઈ શકે અને તેનો સામૂહિક સંકલ્પ દર્શાવી શકે.

યુદ્ધવિરામમાં અમેરિકાની ભૂમિકા પર પણ સવાલ

આ પ્રસંગે પાર્ટીના ઘણા નેતાઓએ 1971ના યુદ્ધમાં ભારતની જીતને યાદ કરી અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વ અને સાહસને યાદ કર્યા હતા. વિપક્ષી પક્ષે યુદ્ધવિરામમાં અમેરિકાની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

‘એક્સ’ પર એક પોસ્ટમાં કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે " યુદ્ધવિરામને લઇને અભૂતપૂર્વ જાહેરાતોને ધ્યાનમાં રાખીને હવે એ જરૂરી છે કે વડાપ્રધાન સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરે અને રાજકીય પક્ષોને વિશ્વાસમાં લે."

સંસદનું ખાસ સત્ર બોલાવવું જોઈએ - કોંગ્રેસ

હવે પહેલા કરતાં એ વાતની જરૂર છે કે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે જેમાં પહલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાથી લઈને આગળની રણનીતિ સુધી છેલ્લા 18 દિવસની ઘટનાઓની ચર્ચા કરવા અને સામૂહિક સંકલ્પ દર્શાવવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની જરૂર છે.

બીજી પોસ્ટમાં જયરામે કહ્યું હતું કે – આ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ 12 ડિસેમ્બર, 1971ના રોજ તત્કાલિન અમેરિકન રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સનને લખેલો પત્ર છે. ચાર દિવસ પછી પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું. તેમણે ખાતરી કરી કે કોઈ તટસ્થ સ્થળ ન હોય, જેના પર હવે સંમતિ થઈ ગઈ છે.

કેસી વેણુગોપાલે પણ ઇન્દિરા ગાંધીને યાદ કર્યા

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે પણ ઇન્દિરા ગાંધીને યાદ કર્યા હતા. તેમણે નિક્સનને આપેલી ઇન્દિરા ગાંધીની ટિપ્પણી ટાંકીને લખ્યું - વિકાસશીલ દેશ હોવાને કારણે અમારી પાસે બધા અત્યાચારો સામે લડવા માટે પૂરતી ઇચ્છાશક્તિ અને સંસાધનો છે. એ સમય વીતી ગયો છે જ્યારે ત્રણ-ચાર હજાર માઇલ દૂરનો કોઈપણ દેશ ભારતીયોને આદેશ આપી શકતો હતો. ભારત આજે ઇન્દિરાજીને ખૂબ યાદ કરે છે.

ભારત હંમેશા શાંતિ અને વાતચીત માટે તૈયાર રહ્યું છે - શરદ પવાર

એનસીપી (એસપી) ના વડા શરદ પવારે કહ્યું કે ભારત હંમેશા શાંતિ અને વાતચીત માટે તૈયાર રહ્યું છે. જો તે દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા હોય તો તેનું સ્વાગત છે. જોકે, આતંકવાદ સામે કડક પગલાં લેવાની આંતરરાષ્ટ્રીય સમુદાયની સામૂહિક ફરજ પણ છે.