Malabar Exercise 2022: વાર્ષિક માલાબાર એક્સરસાઇઝ 8 થી 18 નવેમ્બર દરમિયાન ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા ક્વાડ (QUAD)ની નૌકાદળ વચ્ચે યોજાવા જઈ રહી છે. આ માટે ભારતીય નૌકાદળના બે યુદ્ધ જહાજ INS શિવાલિક અને INS કમોર્ટા જાપાન પહોંચી ગયા છે. ભારતના બે યુદ્ધ જહાજો ઉપરાંત P-8I ટોહી એરક્રાફ્ટ પણ માલાબાર કવાયતમાં ભાગ લઈ રહ્યા છે.


ભારત તેના મલ્ટી-રોલ સ્ટીલ્થ ફ્રિગેટ INS શિવાલિક, એન્ટી-સબમરીન કોર્વેટ INS કમોર્ટા અને દરિયાઈ પેટ્રોલિંગ એરક્રાફ્ટ P-8I તૈનાત કરશે. ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસ 'ક્વાડ'ના અન્ય સભ્યો છે. ચાર દેશોની આ સંયુક્ત કવાયતને ઈન્ડો-પેસિફિકમાં ચીનની વધતી નૌકા શક્તિ સામે મજબૂત સંરક્ષણ તરીકે જોવામાં આવી રહી છે.


સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જાપાન નવેમ્બરના બીજા સપ્તાહમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસના સંયુક્ત માલાબાર નેવી કવાયત 2022ની યજમાની કરશે. એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળ જાપાનીઝ મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ (JMSDF) ની 70મી વર્ષગાંઠની ઉજવણી માટે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂ (IFR)માં પણ ભાગ લેશે.


આ વખતે ભારત આગામી બે મહિનામાં ઘણા મિત્ર દેશો સાથે પોતાના સૈન્ય સંબંધો વધારવાનો પ્રયાસ કરશે. જેમાં માલાબાર 'ક્વાડ' નેવલ કવાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ભારત દેશના અલગ-અલગ સ્થળોએ કવાયત કરશે, જેમાં ઉત્તરાખંડમાં યુએસ આર્મી સાથે, રાજસ્થાનમાં ઓસ્ટ્રેલિયા સાથે અને આસિયાનમાં ત્રણ સભ્યો સાથેનો સમાવેશ થાય છે.


ભારતીય સેના આગામી બે મહિનામાં મલેશિયા અને ઈન્ડોનેશિયામાં અનુક્રમે 'હરિમાઉ શક્તિ' અને 'ગરુડ શક્તિ' અભ્યાસમાં પણ ભાગ લેશે. તે પછી સિંગાપોરની સાથે ભારતીય સેના નવેમ્બર દરમિયાન મહારાષ્ટ્રના દેવલાલી ખાતે 'અગ્નિ યોદ્ધા' અભ્યાસ કરશે. આસિયાન દેશો સાથે ભારતના સંબંધો ચીન માટે ચિંતાનો વિષય બની શકે છે. આ ઉપરાંત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 'ઓસ્ટ્રા-હિંદ' પાયદળ કવાયત રાજસ્થાનમાં મહાજન ફાયરિંગ રેન્જ ખાતે યોજાશે. તાજેતરમાં જ ભારતે ઓસ્ટ્રેલિયાના ડાર્વિનમાં 'પિચ બ્લેક' નામની હવાઈ યુદ્ધ કવાયતમાં પણ ભાગ લીધો હતો.


POKને મુક્ત કરવા માટે સૈન્ય તૈયાર, ચિનાર કૉર્પ્સના કમાન્ડરે કહ્યુ- 'અમે ફક્ત સરકારના આદેશની રાહ જોઇ રહ્યા છીએ'