India responds Sheikh Hasina: બાંગ્લાદેશના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે. સોમવારે ઢાકા સ્થિત ઈન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલ (ICT) એ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હત્યાઓ અને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે દોષિત ઠેરવી મૃત્યુદંડની સજા ફટકારી છે. આ ચુકાદા બાદ બાંગ્લાદેશની વચગાળાની યુનુસ સરકારે ભારત પાસે હસીનાના પ્રત્યાર્પણની (સોંપવાની) માંગ કરી છે. આ સંવેદનશીલ મુદ્દે ભારતના વિદેશ મંત્રાલયે અત્યંત સાવચેતીપૂર્વક પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેઓ બાંગ્લાદેશના લોકોના હિત અને ત્યાંની સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ હસીનાને સોંપવા અંગે કોઈ સીધો જવાબ આપવાનું ટાળ્યું છે.
ભારતનો રાજદ્વારી જવાબ: 'અમે ચુકાદાની નોંધ લીધી છે'
બાંગ્લાદેશની અદાલતના નિર્ણય બાદ નવી દિલ્હીમાં હલચલ તેજ બની છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, ભારતે બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા નિર્ણયની "નોંધ લીધી છે." ભારતે સ્પષ્ટ કર્યું છે કે એક નજીકના પાડોશી મિત્ર તરીકે, ભારત હંમેશા બાંગ્લાદેશના લોકોના શ્રેષ્ઠ હિત અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહ્યું છે. ભારતે એમ પણ ઉમેર્યું કે પડોશી દેશમાં શાંતિ, લોકશાહી અને સ્થિરતા જળવાઈ રહે તે માટે ભારત તમામ પક્ષકારો (હિસ્સેદારો) સાથે રચનાત્મક રીતે વાતચીત ચાલુ રાખશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બાંગ્લાદેશ તરફથી હસીનાને પરત સોંપવાનું દબાણ વધી રહ્યું છે.
શેખ હસીના: 5 ઓગસ્ટથી ભારતમાં શરણાર્થી
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં ફાટી નીકળેલા વ્યાપક અને હિંસક જનઆંદોલનને પગલે ગયા વર્ષે 5 August ના રોજ શેખ હસીનાને ઢાકા છોડવાની ફરજ પડી હતી. ત્યારથી તેઓ સુરક્ષાના કારણોસર ભારતમાં આશ્રય લઈ રહ્યા છે. તેમના ગયા બાદ, નોબેલ પારિતોષિક વિજેતા મુહમ્મદ યુનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારનું સુકાન સંભાળ્યું છે અને ત્યારથી તેઓ હસીના સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે.
બાંગ્લાદેશનું કડક વલણ: 'આશ્રય આપવો એ શત્રુતા સમાન'
ઢાકાએ ભારત સમક્ષ પોતાની માંગણી વધુ ઉગ્ર બનાવી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતને પાઠવેલા સંદેશમાં શેખ હસીનાને "ફરાર કેદી" ગણાવ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે હસીનાનું પ્રત્યાર્પણ કરવું એ નવી દિલ્હીની અનિવાર્ય જવાબદારી છે. બાંગ્લાદેશ સરકારે ત્યાં સુધી ચેતવણી આપી છે કે માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત ઠરેલા વ્યક્તિઓને કોઈપણ અન્ય દેશ દ્વારા આશ્રય આપવો એ "અત્યંત અમૈત્રીપૂર્ણ કાર્ય" (Unfriendly Act) ગણવામાં આવશે. આ પત્રવ્યવહારથી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં તણાવ વધ્યો છે.
શેખ હસીના પર શું છે આરોપો?
બાંગ્લાદેશની કોર્ટે શેખ હસીનાને ત્રણ અત્યંત ગંભીર આરોપોમાં દોષિત માન્યા છે:
હત્યા માટે ઉશ્કેરણી કરવી.
નિઃશસ્ત્ર નાગરિકો પર ગોળીબાર અને હત્યાનો આદેશ આપવો.
પોતાના શાસનકાળ દરમિયાન અત્યાચારો અટકાવવામાં નિષ્ફળતા. આ તમામ આરોપો ગયા વર્ષે થયેલા વિદ્યાર્થી આંદોલન સાથે સંકળાયેલા છે, જેમાં સેંકડો લોકોના જીવ ગયા હતા અને જે અંતે હસીના સરકારના પતનનું કારણ બન્યું હતું. બાકીના અન્ય ગુનાઓમાં તેમને આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી છે.