નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ ઈન્ડિયા ગ્લોબલ વીક 2020નું ઉદ્ઘાટન કર્યુ હતું. જે બાદ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યુ, કોરોના વાયરસની વેક્સીન મળ્યા બાદ મને વિશ્વાસ છે કે તેના ઉત્પાદન અને વિકાસમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકાહ હશે. મહામારીએ ફરી એક વખત દર્શાવ્યું છે કે ભારતનો ફાર્મા ઉદ્યોગ ન માત્ર ભારત માટે પરંતુ સમગ્ર વિશ્વ માટે એક સંપત્તિ છે.


ભારતે ખાસ કરીને વિકાસશીલ દેશોના દવા ખર્ચને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભારતમાં બનેલી રસી વિશ્વભરના બાળકોને બે તૃતીયાંશ રસી પૂરી પાડે છે. આજે અમારી કંપનીઓ કોરોના વેક્સીનના સંશોધન અને ઉત્પાદન માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં સક્રિય છે.



પીએમ મોદીએ કહ્યું, ભારતીય સ્વાભાવિક સુધારક છે. ઈતિહાસ જણાવે છે કે ભારતે દરેક પડકારને પાર કર્યો છે પછી તે સામાજિક હોય કે આર્થિક. ભારત વૈશ્વિક મહામારી સામે મજબૂત લડાઈ લડી રહ્યું છે. લોકોના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે અમે અર્થવ્યવસ્થા પર પણ સમાન રીતે ધ્યાન આપી રહ્યા છીએ.

તેમણે એમ પણ કહ્યું કે, વૈશ્વિક સમૃદ્ધિ માટે ભારત દરેક પગલું ભરવા તૈયાર છે. ભારત ટ્રાન્સફોર્મ, પરફોર્મમાં વિશ્વાસ રાખે છે. ત્રણ દિવસીય વર્ચુઅલ કોન્ફરન્સની થીમ બી ધ રિવાઈવલઃ ઈન્ડિયા એન્ડ એ બેટર ન્યૂ વર્લ્ડ છે.