નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં લોકડાઉન દરમિયાન લોકોની મદદ કરનારા એનજીઓના પ્રતિનિધિઓ સાથે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું, લોકા હાલ બાબા વિશ્વનાથના દર્શન કરી શકતા નથી પરંતુ આ અભૂતપૂર્વ સંકટના સમયમાં આપણી કાશીએ સંકટનો મુકાબલો કર્યો તે વાત પણ સાચી છે. જે શહેર વિશ્વમાં જીવનતાનો સંદેશ આપતું હોય તેની સામે કોરોના શું ચીજ છે. જે કોરોનાના કારણે ચાની દુકાનો સુમસામ થઈ ગઈ હતી ત્યાં હવે ડિજિટલ અડ્ડા શરૂ થઈ ગયા છે. અહીંયાની સંગીત પરંપરાને ગિરિજા દેવીજી, બિસ્મિલ્લા ખાં જેવા મહાન સાધકોએ સમૃદ્ધ કરી, તેને આજના નવા કલાકારો આગળ વધારી રહ્યા છે.


આપણા દેશમાં સેવાભાવ નવી વાત નથી. તે આપણા સંસ્કારોમાં છે. આ વખતનું સેવાકાર્ય સામાન્ય નથી. અહીંયા માત્ર ગરીબોને જમવાનું જ આપવાનું નહોતું પરંતુ કોરોના જેવી બીમારીનો ખતરો પણ હતો. સેવાની સાથે ત્યાગ અને બલિદાનનો ભાવ પણ હતો. જે લોકોએ આ દરમિયાન કામ કર્યુ છે તે સામાન્ય નથી. લોકોમાં એક ડર હતો તેમ છતાં સ્વેચ્છાથી લોકો આગળ આવ્યા. હું દરેક સાથે વાત નથી કરી શક્યો પરંતુ તમામના કામને નમન કરું છું. હું માત્ર જાણકારી નહીં, પ્રેરણા લઈ રહ્યો છું.



કોરોનાના આ સંકટકાળમાં વિશ્વભરમાં રીત રિવાજોમાં પરિવર્તન આવ્યું છે. જે પ્રકારે તમે સવા કરી તેનો મોટો પ્રભાવ પડ્યો છે. આટલા ઓછા સમયમાં ફૂડ હેલ્લપાઇન અને કમ્યૂનિટી કિચનનું નેટવર્ક તૈયાર કરવું, હેલ્પલાઈન વિકસિત કરવી, ડેટા સાયન્સની મદદ લેવી, વારાણસી સ્માર્ટ સિટીના કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરનો ભરપૂર ઉપયોગ કરવો એમ દરેક સ્તર પર તમામે ગરીબોની મદદ માટે પૂરી ક્ષમતાથી કામ કર્યું.

આજથી 100 વર્ષ પહેલા આવી જ એક ભયાનક મહામારી આવી હતી. તે સમયે આટલી વસતી પણ નહોતી તેમ છતાં વિશ્વના જે દેશોમાં સૌથી વધારે લોકો મર્યા હતા તેમાં ભારત પણ હતું. આ વખતે જ્યારે મહામારી આવી ત્યારે તમામ લોક ભારતને લઈ ડરેલા હતા. તેમાં પણ 23-24 કરોડની વસતીવાળા ઉત્તર પ્રદેશને લઈ આશંકા વધારે હતી. પરંતુ તમારા સહયોગ, ઉત્તરપ્રદેશના લોકોના પરિશ્રમ, પરાક્રમે તમામ આશંકાને ખોટી પાડી.



આ દરમિયાન તેમણે લોકોને પાન ખાઈને ન થૂંકવાની પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું, આજે ઉત્તરપ્રદેશે ન માત્ર સંક્રમણની ગતિને કાબૂમાં લીધી છે પરંતુ જેમને કોરોના થયો છે તેઓ પણ ઝડપથી સાજા થઈ રહ્યા છે. જેનું સૌથી મોટું કારણ તમે લોકો છે.



આજે 80 કરોડ લોકોને ફ્રી રાશન આપવામાં આવી રહ્યું છે. અમેરિકાની વસ્તીથી પણ ડબલ લોકોનું એક પણ પૈસો લીધા વગર ભરણ પોષણ કરવામાં આવી રહ્યું છે.