હૈદરાબાદ: દેશમાં નવો ઈતિહાસ લખતા આજે પહેલીવાર ત્રણ મહિલાઓ ફાઈટર પાયલટ તરીકે વાયુસેનામાં શામેલ થઈ છે. હૈદરાબાદમાં અવની, ભાવના અને મોહના સિંહે પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો છે.

ફાઈટર પાયલટ બનવાનો મતલબ છે કે યુદ્ધની સ્થિતિમાં અવનિ,ભાવના અને મોહના લડાઈમાં વપરાતા સુખોઈ જેવા વિમાનો ઉડાવશે. ત્રણેય વાયુસેના અધિકારી તો પહેલાથી જ છે. આજે તેમને ફાઈટર કાફલામાં શામેલ કરાયા છે.

અવની ચતુર્વેદી મધ્યપ્રદેશની રીવાના રહેવાસી છે. તેમના ભાઈ પણ સેનામાં છે. ગુજરાતની વડ઼દરાની રહેવાસી મોહનાના પિતા વાયુસેનામાં સાર્જંટ

છે. જ્યારે મથુરાની ભાવનાના પરિવારમાંથી કોઈ પણ સેનામાં નથી.

હવાઈ સુરક્ષાની જવાબદારી લેવા માટે આ ત્રણ જાબાંઝ મહિલાઓ તૈયાર છે. ત્રણેય મહિલા પાયલટ હૈદરાબાદની એરફોર્સ અકેડેમીમાં પાસિંગ આઉટ પરેડમાં શામેલ થઈ છે. આ સમારોહમાં રક્ષા મંત્રી મનોહર પર્રિકર પણ હાજર રહેશે.

વાયુસેનાએ ટ્રેનિંગનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં એક વર્ષ સુધી આ મહિલા પાયલટોએ કઈ રીતે ટ્રેનિંગ લીધી, એરક્રાફ્ટ ઉડાડવાથી લઈને ક્લાસરૂમ લેક્ચર, રમત-ગમત તેમજ મેસ અને હોસ્ટેલ લાઈફની સફરને બતાડવામાં આવી છે.

ત્રણ મહિલા ટ્રેની, છ મહિનાની બેઝિક ટ્રેનિંગ પિલેટ્સ વિમાન પર પૂરી કરી ચૂકી છે. આ ટ્રેનિંગ એરફોર્સમ અકેડેમી હૈદરાબાદ પાસે આવેલા ડિંડીગુલમાં થઈ છે. આ બાદ ત્રણેય મહિલા પાયલટને હાકિમપેટ એરબેઝ પર છ મહિનાની ટ્રેનિંગ કિરણ એરક્રાફ્ટ પર પૂર્ણ કરી હતી.

પાસિંગ આઉટ પરેડ બાદ પણ ત્રણેય મહિલા પાયલયને એડવાંસ જેટ ટ્રેનર હોક પર છ મહિનાની ટ્રેનિંગ કર્ણાટકના બીદરમાં કરવાની રહેશે. તે પછી તેઓ સુખોઈ, મિરાજ અને જગુઆર સુપર સોનિક ફાઈટર એરક્રાફ્ટ ઉડાવી શકશે.

અત્યાર સુધી મહિલાઓ વાયુસેનામાં કામ તો કરી શકતી હતી. પણ તેમને એવી જવાબદારીઓ સોંપવામાં આવતી જેમાં તેમનો મુકાબલો સીધો દુશ્મનો સાથે નહોતો થતો. એટલે કે મહિલાઓને યુદ્ધ ક્ષેત્રે જવાની મનાઈ હતી. પણ હવે મહિલા પાયલટને ફાઈટર પ્લેન ઉડાવવાનો અને યુદ્ધના મેદાનમાં પ્રવેશવાનો રસ્તો ખુલી ગયો છે.

હજી સુધી વાયુસેનામાં મહિલાઓ માત્ર ટ્રાંસપોર્ટ વિમાન અને હેલીકોપ્ટર ઉડાવી શકતી હતી. આ ઉપરાંત મહિલાઓ પ્રશાસનિક, એટીલી અને શિક્ષા વિંગમાં કામ કરતી હતી. વાયુસેનામાં હાલ 1300 મહિલા અધિકારી છે. જેમાંથી 94 મહિલા પાયલટ છે.

ગત વર્ષે 8 ઓક્ટોબરે વાયુસાનાના 83માં સ્થાપના દિવસે વાયુસેના અધ્યક્ષ એર ચીફ માર્શલ અરૂપ રાહાએ જાહેરાત કરી હતી કે હવે મહિલાઓને ફાઈટર સ્ટ્રીમ પર શામેલ કરવામાં આવશે.