નવી દિલ્હીઃ અમેરિકા અને ઇરાન વચ્ચે સતત વધી રહેલા તણાવની અસર ભારત પહોંચી છે. ભારતની તમામ એરલાઇન્સે ડીજીસીએ સાથે વાતચીત બાદ ઇરાની એરસ્પેસનો ઉપયોગ નહી કરવાનો નિર્ણય લીધો છે. એરલાઇન્સના મતે તેમણે મુસાફરોની સુરક્ષા સુનિશ્વિત કરવા માટે આ નિર્ણય લીધો છે. ઓપરેટર્સનું કહેવું છે કે તે ફ્લાઇટના વૈકલ્પિક રૂટ પર વિચાર કરશે. નોંધનીય છે કે આ અગાઉ દુનિયાની અનેક એરલાઇન્સે ઇરાની એરસ્પેસનો ઉપયોગ નહી કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે પાકિસ્તાનના બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ અત્યાર સુધી પાકિસ્તાની એરસ્પેસ  પુરી રીતે બંધ છે એવામાં દક્ષિણ એશિયાથી પશ્વિમ દેશોનો રસ્તો વધુ લાંબો થઇ જશે.

એર ઇન્ડિયાના સીએમડી અશ્વિની લોહાનીએ કહ્યું કે, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર વધારે પ્રભાવ પડશે નહીં. આગામી ફ્લાઇટ્સના વૈકલ્પિક રસ્તાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. યુએઇ એતિહાદ એરવેઝે પણ ઇરાની એરસ્પેસના બદલે અન્ય રૂટ પરથી ફ્લાઇટ લઇ જવાનો નિર્ણય કર્યો છે.

આ અગાઉ ઓસ્ટ્રેલિયાની ક્વાંટસ, બ્રિટિશ એરવેઝ, નેધરલેન્ડ્સની કેએલએમ અને જર્મનીની લુફ્થાંસાએ પણ ઇરાની એરસ્પેસનો  ઉપયોગ નહી કરવાનો નિર્ણય લીધો છે. વૈશ્વિક એરલાઇન્સને દિશાનિર્દેશ આપનારી કંપની ઓપીએસ ગ્રુપે ચેતવણી આપી હતી કે કોઇ નાગરિક વિમાનને દક્ષિણ ઇરાનમાં તોડી પાડવાનો ખતરો છે.