Indian Army Day 2022: દેશમાં દર વર્ષે 15 જાન્યુઆરીએ સેના દિવસ ઉજવવામાં આવે છે. સેના દિવસના અવસરે રાજસ્થાનના જેસલમેરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર ખાદીથી બનેલો મહાકાય રાષ્ટ્ર ધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. જે ખાદીથી બનેલો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્ર ધ્વજ છે. આ ઝંડો 225 લાંબો અને 150 ફૂટ પહોળો છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ (MSME) મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું, ભારત-પાકિસ્તાન સીમા સ્થિત લોંગેવાલામાં આ વિશાળ તિરંગો પ્રદર્શિત કરાશે.
લોંગેવાલા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના ઐતિહાસિક જંગનું સાક્ષી રહ્યું છે. આ નિવેદન મુજબ, ખાદીથી બનેલો વિશ્વનો સૌથી મોટા રાષ્ટ્ર ધ્વજને સેના દિવસ પર જેસલમેર સ્થિત બોર્ડર પર રાખવામાં આવશે. મંત્રાલયે કહ્યું 225 ફૂટ લાંબા, 150 ફૂટ પહોળા અને આશરે 1400 કિલોગ્રામ વજનના આ વિશાળ તિરંગાને પાંચ જગ્યાએ સાર્વજનિક પ્રદર્શિત કરાશે.
આ તિરંગાને તૈયાર કરવા ખાદીના 70 કારીગરોએ 49 દિવસ સુધી મહેનત કરી હતી. ઝંડો બનાવવા માટે 4500 મીટર હાથથી કાંતેલા અને હાથથી બનેલી ખાદીના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ધ્વજમાં અશોક ચક્રનો વ્યાસ 30 ફૂટ છે.