Recruitment Processes Under Agnipath Scheme: એક તરફ દેશના મોટાભાગના ભાગોમાં અગ્નિપથ યોજનાનો વિરોધ જોવા મળ્યો હતો. ભારતીય સેના અને નેવીએ શુક્રવારે અગ્નિપથ યોજના હેઠળ તેમની ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રક્ષા મંત્રાલયે ભરતી પ્રક્રિયા વિશે માહિતી આપી હતી.






સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, અગ્નિપથ યોજના હેઠળ ભારતીય વાયુસેનાએ સૌથી પહેલા 24 જૂને તેની ભરતી પ્રક્રિયા શરૂ કરી હતી. ગુરુવાર સુધીમાં ભારતીય વાયુસેના દ્વારા અગ્નિપથ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા માટે 2.72 લાખ અરજીઓ મળી છે.


નેવી અને આર્મીમાં અગ્નિવીરોનું રજીસ્ટ્રેશન શરૂ


રક્ષા મંત્રાલયે ટ્વિટર પર જણાવ્યું હતું કે, ભારતીય નેવીમાં અગ્નિવીરોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શુક્રવારથી શરૂ થઈ ગઈ છે. ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે દેશની સેવા કરવાનું તમારું સપનું પૂરું કરવા માટે 1લી જુલાઈથી અગ્નિપથ ભરતી યોજના હેઠળ તમારી નોંધણી કરાવીને ભારતીય સેનામાં જોડાવ.


25 ટકાને પછીથી નિયમિત સેવાની તક મળશે


તાજેતરમાં જ ભારતની ત્રણેય સેનાઓ માટે ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગ્નિપથ યોજના હેઠળ હવે 17 થી 21 વર્ષની વયજૂથના યુવાનોને ચાર વર્ષના કાર્યકાળ માટે સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવશે, જ્યારે તેમાંથી 25 ટકાને પછીથી નિયમિત સેવા માટે સામેલ કરવામાં આવશે.


14 જૂને કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન બાદ સરકારે 16 જૂને આ વર્ષ માટે આ યોજના હેઠળ ભરતી માટેની ટોચની વય મર્યાદા 21 થી વધારીને 23 વર્ષ કરી દીધી હતી. નિવૃત્તિના 4 વર્ષ પછી અગ્નિવીરોને કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં પ્રાથમિકતા આપવાનું કહેવામાં આવ્યું હતું.