નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો ખતરો વધ્યા બાદ હવે ભારતીય સેનાઓ પુરી રીતે એલર્ટ મોડમાં આવી ગઇ છે. કોરોના સામેની લડાઇમાં મેડિકલ સાધનોના ટ્રાન્સપોર્ટેશન માટે એરફોર્સની ટ્રાન્સપોર્ટ ફ્લીટ તૈયાર છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કોરોના સંબંધિત સૈન્યની તૈયારીઓની સમીક્ષા કરી હતી. સૈન્યના 8500 ડોક્ટર પણ કોઇ પણ ઇમરજન્સી સ્થિતિ માટે પુરી રીતે તૈયાર છે.  સંરક્ષણ મંત્રીએ આદેશ કર્યો હતો કે સ્થિતિને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરી રહેલા સિવિલ પ્રશાસનને તમામ પ્રકારની મદદ કરવામાં આવે.



સૈન્યના 8500 ડોક્ટર અને સપોર્ સ્ટાફ પણ કોરોના સામેના યુદ્ધ માટે સિવિલ પ્રશાસનને મદદ કરવા માટે તૈયાર છે. સૈન્યના રિટાયર્ડ હેલ્થ પ્રોફેશનલ્સે પણ મદદ માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. તે સિવાય NCCના 25,000 કૈડેટ્સને સિવિલ પ્રશાસનની મદદ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.

સુરક્ષાદળો અગાઉથી જ ક્વોરેન્ટાઇનની સુવિધાઓની તૈયારીઓ કરી રહી છે. ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ જરૂરી મેડિકલ ઉપકરણ બનાવી રહ્યા છે. એરફોર્સને જમ્મુ કાશ્મીર, લદાખ, મણિપુર અને નાગાલેન્ડમાં મેડિકલ સપ્લાય પહોંચાડવામાં એક્ટિવ કરી દેવામાં આવી છે.