ટોક્યો ઓલિમ્પિક 2020ના વિજેતા નીરજ ચોપરા, રવિ દહિયા, બજરંગ પૂનિયા અને બંને હોકી ટીમ દિલ્હી પહોંચી છે. એરપોર્ટ પર ખેલાડીઓના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. ગોલ્ડન બોય નીરજ ચોપરા સાથે સેલ્ફી લેવા માટે ફેન્સ પહોંચ્યા છે. ઢોલ-નગારા સાથે તમામ ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
ગોલ્ડન બોય નીરજ ચોપરાના સ્વાગત માટે ખૂબ જ મોટી સંખ્યામાં ફેન્સ દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે. ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓના આરટીપીસઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. બાદમાં ભારત સરકાર તરફથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ ખેલાડીનું સ્વાગત કરવામાં આવશે.
નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ, મીરાબાઈ ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં અને રવિ દહિયાએ 57 કિલો વેઇટમાં રેસલિંગની ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ જીત્યો છે. વળી ભારતીય પુરુષ હોકી ટીમ, રેસલિંગની ફ્રી સ્ટાઇલના 65 કિલો વેઇટમાં બજરંગ પૂનિયા, બેડમિન્ટનમાં પીવી સિંધુ અને બોક્સિંગમાં લવલિના બોરગોહેને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયન મેડલિસ્ટ
- નીરજ ચોપરા- ગોલ્ડ (ભાલા ફેંક)
- રવિ દહિયા- સિલ્વર (રેસલિંગ)
- મીરાબાઈ ચાનૂ- સિલ્વર (વેઇટલિફ્ટિંગ)
- પીવી સિંધુ- બ્રોન્ઝ (બેડમિન્ટન)
- લવલીના બોરગોહેન- બ્રોન્ઝ (બોક્સિંગ)
- બજરંગ પૂનિયા- બ્રોન્ઝ (રેસલિંગ)
- પુરુષ હોકી ટીમ - બ્રોન્ઝ
ખેલાડીઓને ખેલ મંત્રાલય તરફથી દિલ્હીમાં સન્માનિત કરવામાં આવશે. મંત્રાલય તરફથી અશોકા હોટલમાં સાંજે 6 વાગ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાએ કહ્યું હતું કે, મારે મારુ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું હતું. પરંતુ મે ગોલ્ડ મેડલ જીતવા વિશે વિચાર્યું નહોતું. હુ મારો ગોલ્ડ મેડલ મિલ્ખા સિંહને અર્પણ કરું છું. નોંધનીય છે કે ભારતે ઓલિમ્પિકમાં 13 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ અગાઉ વર્ષ 2008માં બેઇજિંગ ઓલિમ્પિકમાં અભિનવ બિંદાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું- ‘નીરજ ચોપરાની અભૂતપૂર્વ જીત! તમારો સોનેરી ભાલો તમામ વિઘ્નોને તોડીને ઇતિહાસ રચે છે. તમે તમારા પ્રથમ ઓલમ્પિકમાં ભારતને પહેલીવાર ટ્રેક અને ફીલ્ડ પદક અપાવો છો. તમારો કરતબ આપણા યુવાનોને પ્રેરણા આપશે. ભારત ઉત્સાહિત છે! હાર્દિક શુભેચ્છા!’