ઇન્ડિયન નેવીએ પોતાના એલિટ સ્પેશ્યલ ફોર્સમાં મહિલાઓને સામેલ કરવા માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે. સૈન્યના કોઇ પણ અંગમાં પ્રથમવાર કમાન્ડોના રૂપમાં મહિલાઓને સેવાની મંજૂરી આપવામાં આવી છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. જોકે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરાઇ નથી.
નોંધનીય છે કે આર્મી, નેવી અને એરફોર્સના વિશેષ દળોમાં કેટલાક ખાસ સૈનિકોનો સમાવેશ થાય છે, જેમને સખત તાલીમ લેવી પડે છે. તેઓ ગુપ્ત કામગીરી હાથ ધરવા સક્ષમ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે હવે તાલીમ બાદ જો મહિલાઓ માપદંડ પર ખરી ઉતરશે તો નેવીમાં મરીન કમાન્ડો (માર્કોસ) બની શકે છે. તેમણે કહ્યું કે ભારતના સૈન્ય ઈતિહાસમાં આ એક ઐતિહાસિક પગલું છે પરંતુ કોઈને પણ સીધા સ્પેશ્યલ ફોર્સ યુનિટમાં સામેલ કરવામાં આવશે નહીં. વોલિન્ટિયર તરીકે કામ કરવું પડશે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે વોલિન્ટિયર તરીકે માર્કોસ બનવાનો વિકલ્પ મહિલા અધિકારીઓ અને ખલાસીઓ બંને માટે ખુલ્લો રહેશે જેઓ આગલા વર્ષે અગ્નિવીર ભરતી હેઠળ સેવામાં જોડાશે.
નેવીમા માર્કોસને અનેક મિશનને અંજામ આપવા માટે ટ્રેનિંગ અપાય છે. સમુદ્ર, હવા અને જમીન પર મિશન હાથ ધરી શકે છે. આ કમાન્ડો દુશ્મનના યુદ્ધ જહાજો, લશ્કરી થાણાઓ, વિશેષ ડાઇવિંગ ઓપરેશન્સ અને જાસૂસી મિશન સામે પ્રહારો કરી શકે છે. માર્કોસ દરિયાઈ ક્ષેત્રમાં પણ આતંકવાદીઓ સામે લડી શકે છે અને તેને કાશ્મીરના વુલર લેક વિસ્તારમાં આતંકવાદ વિરોધી ભૂમિકામાં તૈનાત કરવામાં આવ્યા છે.
મહિલાઓનું હવે નૌકાદળની તમામ શાખાઓમાં ખાસ કામગીરીથી લઈને ઉડ્ડયન અને જહાજની ફરજો વગેરેમાં સ્વાગત કરવામાં આવશે. નૌકાદળની વિશેષ દળોના વિંગમાં મહિલાઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે. સૈન્યમાં મહિલાઓને પ્રથમ વખત ઓફિસર રેન્ક (PBOR) કેડરથી નીચેના કર્મચારીઓમાં સામેલ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઓડિશામાં INS ચિલ્કા પ્રશિક્ષણ સુવિધા ખાતે નૌકાદળ તેના પ્રથમ વર્ગના અગ્નિવીરોની તાલીમ પર કડક નજર રાખી રહ્યું છે, જેમાં મહિલાઓનો સમાવેશ થાય છે. નૌકાદળના અગ્નિવીરોની પ્રથમ બેચમાં 3,000 ભરતીમાં 341 મહિલાઓનો સમાવેશ થાય છે.