Mig Crash: નેવીનું MiG29 'K' ફાઈટર જેટ ગોવા નજીક દરિયામાં ક્રેશ થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં ફાઈટર જેટનો પાયલટ બચી ગયો છે. દુર્ઘટના પહેલા, પાયલોટે, પરિસ્થિતિ જોઈને વિમાનમાંથી બહાર નીકળીને સમુદ્રમાં કૂદી પડ્યો હતો, જેનાથી તેનો જીવ બચી ગયો.


બાદમાં નેવીએ સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન દ્વારા પાયલટને બચાવી લીધો હતો. હાલ પાયલોટની હાલત સ્થિર છે. બોર્ડ ઓફ ઈન્ક્વાયરી (BoI)ને MiG29 'K' ફાઈટર જેટના ક્રેશ થવા પાછળના કારણો શોધવાનો આદેશ આપ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ગોવાના કિનારે નિયમિત ઉડાન દરમિયાન બેઝ પર પરત ફરતી વખતે ટેક્નિકલ ખામીને કારણે મિગ-29કે ફાઈટર પ્લેન સમુદ્રમાં ક્રેશ થયું હતું.






ભારતમાં કોરોના કાબુમાં, જાણો દેશમાં કેટલા છે એક્ટિવ કેસ


ભારતમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 2319 નવા કેસ નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 26,292 પર પહોંચી છે. અત્યાર સુધીમાં કુલ 4,40,63,406 લોકો કોરોના સામે જંગ જીતી ચૂક્યા છે. જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5,28,835 પર પહોંચ્યો છે. દેશમાં કોરોના રસીકરણનો કુલ આંક 219, 09,69,572 પર પહોંચ્યો છે, જેમાંથી ગઈકાલે 4,93,352 ડોઝ આપવામાં આવ્યા હતા.


ગરીબોની કસ્તુરી ફરી થઈ મોંઘી, જાણો શું છે કારણ


ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં ફરી વધારો થયો છે. ડુંગળીના હોલસેલ ભાવમાં વધારો થયો છે, જેના કારણે રિટેલ ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. ડુંગળીનો હોલસેલ ભાવ પ્રતિ કિલો રૂપિયા 20 થી 27 પહોંચ્યો છે. જેના કારણે તહેવારો વખતે ફરી ડુંગળી લોકોને રડાવશે તેમ માનવામાં આવે છે. દક્ષિણ ભારત અને નાસિકમાં પડેલા ભારે વરસાદથી ડુંગળીના પાકને નુકસાન થયું છે, જેના કારણે હાલ પુરવઠો ખોરવાયો છે.


પાછોતરા વરસાદથી કપાસ, મગફળીના પાકને નુકસાન


અમરેલીમાં પડેલા પાછોતરા વરસાદના કારણે ખેતી પાકોને મોટાપાયે નુકસાન થયું છે. મગફળીના પાથરા પલળી જતાં ખેડૂતોના સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. કપાસના ઉભા પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. વરસાદના કારણે પાક નુકસાન છતાં સરવેની કામગીરી નહીં કરાતા ખેડૂતોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે.વીમા કંપનીઓ પણ ખડૂતોનું દર્દ સાંભળવા તૈયાર નથી . સરકાર તાત્કાલિક સરવે કરાવી સહાય આપે તેવી અમરેલીના અસરગ્રસ્ત અન્નદાતાની માંગ છે.