Mahakaleshwar Temple: પીએમ મોદીએ મહાકાલ લોક રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. મહાકાલ લોક પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો તીર્થયાત્રીઓને વિશ્વ કક્ષાની આધુનિક સુવિધાઓ પૂરી પાડીને મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓના અનુભવને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે. આ દરમિયાન મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર હતા.અહીં વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે મંદિરમાં આરતી પણ કરી હતી.


 






 900 મીટરથી વધુ લાંબા 'મહાકાલ લોક' કોરિડોર જૂના રુદ્ર સાગર તળાવની આસપાસ ફેલાયેલ છે. ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરની આસપાસના વિસ્તારના પુનર્વિકાસના પ્રોજેક્ટ હેઠળ રૂદ્ર સાગર તળાવને પુનર્જીવિત કરવામાં આવ્યું છે.


એક અધિકારીએ જણાવ્યું કે દેશના 12 જ્યોતિર્લિંગોમાંથી એક અહીં મહાકાલેશ્વર મંદિરમાં સ્થાપિત છે અને દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. તેમણે કહ્યું કે કોરિડોર માટે બે ભવ્ય પ્રવેશદ્વાર- નંદી દ્વાર અને પિનાકી દ્વાર બનાવવામાં આવ્યા છે. આ કોરિડોર મંદિરના પ્રવેશદ્વાર તરફ દોરી જાય છે અને રસ્તામાં નયનરમ્ય નજારો જોવા મળે છે.


કોરિડોરમાં 108 સ્તંભો ઉભા કરવામાં આવ્યા


અધિકારીએ કહ્યું કે મહાકાલ મંદિરના નવા બનેલા કોરિડોરમાં 108 સ્તંભો ઉભા કરવામાં આવ્યા છે,  910 મીટરનું આ સમગ્ર મહાકાલ મંદિર આ સ્તંભો પર ટકેલું છે. તેમણે કહ્યું કે, મહાકવિ કાલિદાસના મહાકાવ્ય મેઘદૂતમાં જે સુંદર રીતે મહાકાલ વનની કલ્પના રજૂ કરવામાં આવી છે, તે સેંકડો વર્ષો પછી સાકાર થઈ રહી છે.


કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન


વડાપ્રધાન મોદીએ મધ્ય પ્રદેશ રાજધાની ભોપાલથી લગભગ 200 કિલોમીટર દૂર ઉજ્જૈન ખાતે રૂ. 856 કરોડના મહાકાલેશ્વર મંદિર કોરિડોર વિકાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. પ્રથમ તબક્કામાં 316 કરોડ રૂપિયામાં મહાકાલ લોક તૈયાર કરવામાં આવ્યો છે.