નવી દિલ્હી: દિલ્હીમાં ટોક્યો ઓલિમ્પિક મેડલ વિજેતાઓનો અભિનંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોલ્ડ વિજેતા નીરજ ચોપરા, બ્રોન્ઝ વિજેતા પહેલવાન બજરંગ પૂનિયા, બ્રોન્ઝ જીતનારી ભારતીય પુરુષ હોકી ટીમ, બ્રોન્ઝ વિજેતા લવલીના બોરગોહેન અને સિલ્વર મડલ વિજેતા રવિ દહિયાને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કેંદ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, કેંદ્રીય મંત્રી કિરેન રિજિજૂ અને કેંદ્રીય રાજ્ય મંત્રી નિશીથ પ્રમાણિક સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા. ભારતીય હોકી ટીમના ચીફ કોચ ગ્રાહમ રીડ અને ઈન્ડિયન વુમન બોક્સિંગ ટીમના હેડ કોટ રાફેલ બર્ગમાસ્કોનું પણ અભિનંદન કરવામાં આવ્યું હતું.
આ ગોલ્ડ મેડલ સમગ્ર દેશનો-નીરજ ચોપરા
ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ કહ્યું, “બધાનો આભાર! આ ગોલ્ડ મેડલ મારો નહી સમગ્ર દેશનો છે. મને લાગે છે કે તમે તમારુ 100 ટકા આપો અને કોઈથી ડરો નહી.”
નીરજ ચોપરાએ કહ્યું- આ મારો નહીં પણ સમગ્ર દેશનો મેડલ છે. જે દિવસથી મેડલ આવ્યો છે ત્યારથી હું ખાઈ શકતો નથી કે ઊંઘી શકતો નથી. ત્યારથી હું મારા ખીસ્સામાં મેડલ લઈને ફરી રહ્યો છું. સમર્થન આપવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. ગોલ્ડ મેડલ જીતવો તે મારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે.
દિલ્હી એરપોર્ટ પર ઓલિમ્પિક સ્ટાર્સના સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં પ્રશંસકો હાજર રહ્યા હતા. પત્રકારો પણ ઈન્ડિયન એથ્લીટ્સની પ્રતિક્ષા કરી રહ્યા હતા. એરપોર્ટની બહાર ઢોલ-નગારા સાથે ભારત માતાની જય-જયકારના નારા સાથે તમામ ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયન મેડલિસ્ટ
- નીરજ ચોપરા- ગોલ્ડ (ભાલા ફેંક)
- રવિ દહિયા- સિલ્વર (રેસલિંગ)
- મીરાબાઈ ચાનૂ- સિલ્વર (વેઇટલિફ્ટિંગ)
- પીવી સિંધુ- બ્રોન્ઝ (બેડમિન્ટન)
- લવલીના બોરગોહેન- બ્રોન્ઝ (બોક્સિંગ)
- બજરંગ પૂનિયા- બ્રોન્ઝ (રેસલિંગ)
- પુરુષ હોકી ટીમ - બ્રોન્ઝ