Israel Hamas War: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વધુ આક્રમક બની રહ્યું છે. બંને એકબીજા પર આત્મઘાતી હુમલા કરી રહ્યા છે. દરમિયાન ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે તે હમાસને નેસ્તનાબૂદ કર્યા બાદ જ ઝંપશે. આ દરમિયાન ઈરાનમાં રહેતા હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની પણ હત્યા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આમાં ઈઝરાયેલનો હાથ છે.


આ ઘટના બાદ ઈરાન અને અન્ય દેશો પણ યુદ્ધમાં જોડાય તેવી શક્યતા છે. ભારત પણ આ બાબત પર નજર રાખી રહ્યું છે. મોટા યુદ્ધના વધતા જતા ખતરા વચ્ચે દેશના ભૂતપૂર્વ ન્યાયાધીશો, રાજદ્વારીઓ, કાર્યકર્તાઓ, લેખકો અને અર્થશાસ્ત્રીઓ સહિત દેશના 25 નાગરિકોના એક જૂથે રક્ષા મંત્રી રાજનાથ સિંહને પત્ર લખીને ઇઝરાયેલને શસ્ત્રો અને દારૂગોળાની નિકાસ કરવાનું લાઇસન્સ રદ કરવા વિનંતી કરી છે.


સમૂહે લેટરમાં વ્યક્ત કરી ચિંતા -
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે ઇઝરાયેલને લશ્કરી શસ્ત્રો અને યુદ્ધ સામગ્રીની સપ્લાય માટે વિવિધ ભારતીય કંપનીઓને નિકાસ લાયસન્સ અને પરવાનગીઓ ચાલુ રાખવા અંગે ચિંતિત છીએ. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) એ સ્પષ્ટ ચૂકાદો આપ્યો છે કે ઈઝરાયેલ તેની જવાબદારીઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે.


કંપનીઓને લાયસન્સ ના આપવાની માંગ 
30મી જુલાઈના રોજ લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયેલને કોઈપણ સૈન્ય સામગ્રીનો સપ્લાય એ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળની ભારતની જવાબદારીઓ અને ભારતના બંધારણના અનુચ્છેદ 51(c) સાથે વાંચવામાં આવેલા અનુચ્છેદ 21ના આદેશનું ઉલ્લંઘન હશે. તેથી અમે તમને પ્રશ્નમાં નિકાસ લાયસન્સ રદ કરવા અને ઈઝરાયેલને લશ્કરી સાધનો સપ્લાય કરતી કંપનીઓને કોઈપણ નવા લાઇસન્સ આપવાનું બંધ કરવા વિનંતી કરીએ છીએ.


ભારતની કેટલીય કંપનીઓ ઇઝરાયેલની કંપનીઓ સાથે કરી રહી છે કામ 
ભારતની ઘણી સરકારી અને ખાનગી કંપનીઓ હથિયાર બનાવવા માટે ઈઝરાયેલની ડિફેન્સ પ્રૉડક્શન કંપનીઓ સાથે કામ કરી રહી છે. આ ભારતીય કંપનીઓ ઇઝરાયેલની કંપનીઓ માટે તેમના ઉત્પાદનોના વધુ ભાગોનું ઉત્પાદન કરે છે. પત્રમાં ત્રણ ભારતીય કંપનીઓનો ઉલ્લેખ છે - મ્યૂનિશન્સ ઈન્ડિયા લિમિટેડ (MIL), પ્રીમિયર એક્સપ્લૉસિવ્સ લિમિટેડ (PEL) અને અદાણી-એલ્બિટ એડવાન્સ્ડ સિસ્ટમ્સ ઈન્ડિયા લિમિટેડ.