રેલવેમાં કામ કરતી એક મહિલા કર્મચારીનાના કામના વખાણ થઈ રહ્યા છે. વાસ્તવમાં આ મહિલા કર્મચારીએ ટિકિટ વગર અને અનિયમિત મુસાફરી કરતા રેલવે મુસાફરો પાસેથી 1 કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલ કર્યો છે. Rosaline Arokia Mary દક્ષિણ રેલવેમાં ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર તરીકે કામ કરે છે. 1 કરોડનો દંડ વસૂલનાર તે રેલવેની પ્રથમ મહિલા ટિકિટ ચેકિંગ સ્ટાફ બની ગઈ છે.
રોઝલિનની તસવીરો રેલવે મંત્રાલયના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં તે મુસાફરોની ટિકિટ ચેક કરતી જોવા મળી રહી છે. આ સિવાય તે દંડ પણ વસુલ કરી રહી છે.
રેલ્વે મંત્રાલયે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે તે પોતાનું કામ પૂરી નિષ્ઠાથી કરી રહી છે. રોઝલીન દક્ષિણ રેલવેમાં ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર તરીકે કામ કરે છે. તેણે ટિકિટ વગરના અને અનિયમિત રેલવે મુસાફરો પાસેથી 1.03 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
'આવી મહિલાઓ જ ભારતને મહાસત્તા બનાવશે'
રેલવે મંત્રાલયના આ ટ્વીટ બાદ કમેન્ટ સેક્શનમાં લોકોએ કોમેન્ટ્સ કરી હતી. બધા યુઝર્સે તેના કામની પ્રશંસા કરી અને અભિનંદન આપ્યા હતા. એક વ્યક્તિએ લખ્યું - અમને આવા સમર્પિત મહિલા કર્મચારીઓની જરૂર છે, જે ભારતને મહાસત્તા બનાવી શકે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું હતું કે મને ગર્વ છે કે હું તમારો મિત્ર છું. હું તમને પહેલેથી જ ઓળખું છું, તેથી તમારી સિદ્ધિથી મને બહુ આશ્ચર્ય થયું નથી. તમે ફરજ દરમિયાન સમર્પણ, પ્રામાણિકતા દર્શાવી છે.
એક કર્મચારીએ 1 કરોડ 55 લાખનો દંડ વસૂલ કર્યો હતો.
એક અખબારી યાદી બહાર પાડતી વખતે દક્ષિણ રેલવેએ લખ્યું હતું કે મેરી સિવાય બે વધુ ટિકિટ ચેકિંગ સ્ટાફે 1 કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલ્યો છે. તે બધાએ એપ્રિલ 2022 થી માર્ચ 2023 વચ્ચે આ દંડ વસૂલ કર્યો છે. ચેન્નઈ ડિવિઝનના ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર એસ નંદા કુમારએ 1 કરોડ 55 લાખનો દંડ વસૂલ કર્યો છે. વરિષ્ઠ ટિકિટ એક્ઝામિનર શક્થિવેલે દંડ તરીકે 1.10 કરોડ રૂપિયા વસૂલ્યા હતા.