નવી દિલ્હીઃ ટ્રેનની મુસાફરી માટે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદવી ખૂબ જ મુશ્કેલ છે. લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. ખાસ કરીને તહેવારોના સમયે જ્યારે રેલ્વે મુસાફરોની ભારે ભીડ હોય છે ત્યારે રેલવે પ્લેટફોર્મની ટિકિટ લેવા માટે લોકોએ લાઇનમાં ઉભા રહેવું પડે છે. જો કે મુસાફરોની સુવિધા માટે તમામ સ્ટેશનો પર ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન (એટીવીએમ) લગાવવામાં આવ્યા છે, પરંતુ જ્યારે વધુ પડતી ભીડ હોય ત્યારે તે પણ સમસ્યા બની જાય છે.
દરમિયાન, ટિકિટ વેન્ડિંગ મશીન પર તૈનાત કરાયેલા રેલવેના એક કર્મચારીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે મુસાફરોને 'રોબોટ સ્પીડ'થી ટિકિટ આપી રહ્યો છે. આ વાયરલ વીડિયો @mumbairailusers નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે 'ભારતીય રેલ્વેમાં ક્યાંક... આ વ્યક્તિ ઝડપથી 15 સેકન્ડમાં 3 મુસાફરોને ટિકિટ આપી રહ્યો છે.'
રેલવે કર્મચારીની રોબોટિક સ્પીડ!
આ રેલવે કર્મચારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ કર્મચારી ઓટોમેટિક વેન્ડિંગ મશીનથી ટ્રેનની ટિકિટ આપતો જોવા મળી રહ્યો છે. વીડિયો અનુસાર તેણે માત્ર 15 સેકન્ડમાં 3 ટિકિટ આપી દીધી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તે પૈસા લીધા પછી મુસાફરને તરત જ ટિકિટ આપી દે છે.
આ વીડિયોને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ટ્વિટર પર ઘણા યુઝર્સે આ રેલવે કર્મચારીની પ્રશંસા કરી છે. એક વ્યક્તિએ કહ્યું- જો આના જેવા વધુ કર્મચારીઓ આવશે તો ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાની સમસ્યા હલ થઈ જશે. જ્યારે એક વ્યક્તિએ લખ્યું - તેને ઉત્તમ કાર્ય માટે પુરસ્કાર મળવો જોઈએ.