Indian Student Found Dead in America: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. ઉમા સત્ય સાંઈ બાદ હવે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થી અબ્દુલ અરાફાતનો મૃતદેહ મળી આવ્યો છે. છેલ્લા મહિનાથી ગુમ થયેલો 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થી અમેરિકાના ક્લીવલેન્ડમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. હૈદરાબાદના રહેવાસી મોહમ્મદ અબ્દુલ અરાફાતના મોતથી ફરી એકવાર અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. હકીકતમાં, એક અઠવાડિયાની અંદર આ પ્રકારની બીજી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 11 ભારતીય વિદ્યાર્થીઓ સાથે આવી ઘટના બની છે.


ન્યૂયોર્કમાં ભારતીય કૉન્સ્યુલેટે અરાફાતના મૃત્યુની પુષ્ટિ કરી અને ટ્વિટર પર પોસ્ટ કર્યું: "તે જાણીને દુઃખ થયું કે મોહમ્મદ અબ્દુલ અરાફાત, જેના માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું, તે ક્લિવલેન્ડ, ઓહિયોમાં મૃત હાલતમાં મળી આવ્યા છે." કૉન્સ્યુલેટે કહ્યું કે તે ક્લિવલેન્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીના મૃત્યુની સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા માટે યુએસની સ્થાનિક એજન્સીઓના સંપર્કમાં છે. અમે તેમના પાર્થિવ દેહને ભારત લાવવા માટે શોકગ્રસ્ત પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છીએ.


ભારતીય વિદ્યાર્થીઓને કરાઇ રહ્યાં છે ટાર્ગેટ 
અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મોતનો આ પહેલો કે બીજો કિસ્સો નથી. આવા કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. 6 એપ્રિલે પણ ઉમા સત્ય સાંઈ ગડ્ડે નામની ભારતીય વિદ્યાર્થીનીના મોતનો મામલો સામે આવ્યો હતો. તે ક્લિવલેન્ડ, ઓહાયોથી અભ્યાસ કરતો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં અમેરિકામાં 11 ભારતીયો અને ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મોત થયા છે.