નવી દિલ્હીઃ દેશની સૌથી લાંબી ચિનૈની-નાશરી સુરંગ શ્યામા પ્રસાદ મુખર્જીના નામ પર હશે. આ વાતની જાણકારી કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ આપી હતી. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં એનએચ 44 પર ચેનાની-નાશરી સુરંગ શ્યામા પ્રસાદ મુખર્જીના નામ પર હશે. આ શ્યામા પ્રસાદને અમારી વિનમ્ર શ્રદ્ધાંજલિ છે. ગડકરીએ કહ્યું કે, ચેનાની-નાશરી સુરંગ 9.28 કિલોમીટર છે. દેશની સૌથી લાંબી આ ટનલ રામબન જિલ્લામાં છે જેનું ઉદ્ધાટન બે વર્ષ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

આ અગાઉ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જે સ્વપ્ન શ્યામા પ્રસાદ મુખર્જીનું હતું, બાબા સાહેબ આંબેડકરનું હતું, અટલ બિહારી વાજપેઇનું હતું તે હવે પુરુ થઇ ચૂક્યું છે. કલમ 370 હટાવ્યાથી જમ્મુ કાશ્મીર અને લદાખમાં એક નવા યુગની શરૂઆત થઇ ગઇ છે. હવે દેશમાં તમામ દેશવાસીઓના અધિકાર સમાન છે.


વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કલમ 370થી જમ્મુ કાશ્મીરના લોકોને કોઇ ફાયદો થયો નથી. આ કલમે જમ્મુ કાશ્મીરને કાંઇ આપ્યું નથી. આ કલમનો દેશ વિરુદ્ધ કેટલાક લોકોની ભાવનાઓ ભડકાવવા માટે પાકિસ્તાન દ્ધારા હથિયારના રૂપમા ઉપયોગ થઇ રહ્યો હતો.