IndiGo CEO summoned by Ram Mohan Naidu: દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં સર્જાયેલી ઓપરેશનલ કટોકટી બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આક્રમક વલણ અપનાવ્યું છે. મંગળવારે (9 ડિસેમ્બર, 2025) યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ઇન્ડિગોના મેનેજમેન્ટનો ઉધડો લીધો હતો. સ્થિતિને થાળે પાડવા માટે મંત્રાલયે ઇન્ડિગોને તાત્કાલિક અસરથી તેની કુલ ફ્લાઈટ્સમાં 10% નો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે, જેથી મુસાફરોને વધુ હાલાકી ન ભોગવવી પડે. બીજી તરફ, કંપનીએ દાવો કર્યો છે કે તેમની કામગીરી હવે સામાન્ય થઈ ગઈ છે.

Continues below advertisement

મંત્રાલયમાં હાઈ-વોલ્ટેજ મિટિંગ: આંતરિક ખામીઓ પર થઈ ચર્ચા

ઇન્ડિગોની ફ્લાઈટ્સ રદ થવાને કારણે મુસાફરોને પડેલી અસુવિધાને ગંભીરતાથી લઈ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) સક્રિય થયું છે. મંગળવારે દિલ્હીમાં ઇન્ડિગોના ટોચના મેનેજમેન્ટ અને સરકાર વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને સચિવ સમીર સિંહાએ ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સ પાસેથી જવાબ માંગ્યો હતો. બેઠકમાં ક્રૂ મેમ્બર્સનું રોસ્ટર, ફ્લાઇટ શેડ્યૂલિંગમાં ગડબડ અને મુસાફરોને માહિતી આપવામાં નિષ્ફળતા જેવા આંતરિક મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.

Continues below advertisement

સરકારનો મોટો નિર્ણય: રૂટ ભલે ચાલુ રહે, પણ ફ્લાઈટ્સ ઘટાડો

મુસાફરોની સુવિધા અને ઓપરેશનલ સ્થિરતા લાવવા માટે મંત્રાલયે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. ઇન્ડિગોને તેના વર્તમાન ઓપરેશનમાંથી 10% ફ્લાઈટ્સ ઘટાડવા માટે કહેવામાં આવ્યું છે. સરકારનો તર્ક છે કે કામગીરીનું ભારણ ઘટાડવાથી ફ્લાઈટ કેન્સલેશનની સંખ્યા ઘટશે અને સિસ્ટમ સ્થિર થશે. જોકે, રાહતની વાત એ છે કે ફ્લાઈટ્સની સંખ્યા ઘટશે પણ ઇન્ડિગો તેના તમામ નિર્ધારિત સ્થળો (Destinations) પર સેવા આપવાનું ચાલુ રાખશે, એટલે કે કોઈ શહેરનું કનેક્શન તૂટશે નહીં.

રિફંડ અને પેસેન્જર સુવિધા પર કડક સૂચના

બેઠક દરમિયાન કંપનીએ માહિતી આપી હતી કે ડિસેમ્બર મહિનામાં રદ થયેલી ફ્લાઈટ્સ માટે 100% રિફંડની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમ છતાં, મંત્રાલયે બાકી રહેલા રિફંડ અને અટવાયેલા સામાનની ડિલિવરી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા તાકીદ કરી છે. આ ઉપરાંત, એરલાઇનને ભાડા નિયંત્રણમાં રાખવા અને મુસાફરોની સુવિધાઓના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાના આદેશો પણ આપવામાં આવ્યા છે.

કંપનીનો દાવો: 'ઓલ ઈઝ વેલ'

એક તરફ સરકાર કડક છે, તો બીજી તરફ મંત્રીને મળતા પહેલા ઇન્ડિગોએ સત્તાવાર જાહેરાત કરી હતી કે એક અઠવાડિયાની કટોકટી બાદ હવે સ્થિતિ સામાન્ય છે. કંપનીના દાવા મુજબ, ફ્લાઈટ્સનું ટાઈમ પરફોર્મન્સ સુધર્યું છે અને બુધવારે (10 ડિસેમ્બર, 2025) કંપની લગભગ 1,900 ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની યોજના ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, મંત્રાલય બાદ હવે ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સ DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) સાથે પણ એક અલગ બેઠક કરવાના છે, જેમાં ટેકનિકલ પાસાઓ પર ચર્ચા થશે.