IndiGo Emergency Landing: ડિબ્રુગઢ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું એન્જિન ફેઈલ થઈ જતાં રવિવારે (4 જૂન) સવારે ગુવાહાટીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ફ્લાઇટ નંબર 6e-2652માં કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલી અને આસામના બે ધારાસભ્યો - પ્રશાંત ફુકન અને તેરાશ ગોવાલા સહિત લગભગ 150 મુસાફરો હતા.


મંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું કે વિમાનના લેન્ડિંગના લગભગ 15-20 મિનિટ પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે ફ્લાઈટનો રસ્તો બદલવામાં આવ્યો છે. શરૂઆતમાં અમે ડરી ગયા હતા અને આશંકા અનુભવી હતી કે ફ્લાઇટ ડિબ્રુગઢ એરપોર્ટ પર કેમ લેન્ડ થઈ શકી નથી. તેને ગુવાહાટી તરફ વાળવામાં આવી હતી. તે પછી પાયલોટે જાહેરાત કરી કે એન્જિનમાં ટેક્નિકલ ખામીને કારણે તેને લાંબા રનવે પર લેન્ડ કરવું પડશે. 


ત્રણ બેઠકોમાં હાજરી આપવાની હતી   


તેલીએ કહ્યું, જ્યારે તે ખામી સુધારી રહ્યા હતા, ત્યારે અમને સીટ પર બેસી રહેવાનું કહેવામાં આવ્યું. બે કલાક પછી જાહેરાત કરવામાં આવી કે ફ્લાઇટ ટેક ઓફ નહીં થઈ શકે અને પછી ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમને ત્રણ બેઠકોમાં હાજરી આપવાની હતી, પરંતુ ફ્લાઈટ કેન્સલ થવાને કારણે તેઓ બેઠકોમાં હાજર રહી શક્યા ન હતા.



વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા નહોતી 


તેમણે કહ્યું, મેં ઈન્ડિગો પ્રશાસનને કોલકાતાથી વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવા કહ્યું હતું, પરંતુ તેઓએ તેમ કર્યું ન હતું. હું ઉડ્ડયન મંત્રીને જાણ કરીશ. અધિકારીઓએ જણાવ્યું કે ગુવાહાટી એરપોર્ટ પર એરક્રાફ્ટમાં ખામી શોધી કાઢવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, ટેકનિકલ વિભાગની એક ટીમ ફ્લાઈટમાં આવી રહેલી સમસ્યાને શોધવા અને તેને ઉકેલવા માટે કામ કરી રહી છે. ધારાસભ્ય તેરાશ ગોવાલાએ જણાવ્યું કે, ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ સમસ્યા સર્જાયા બાદ ઈન્ડિગોની ફ્લાઈટ 6e2652નું GNB ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.


તેરશ ગોવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, "અમે મોહનબાડી (ડિબ્રુગઢ) એરપોર્ટથી ફ્લાઇટ લીધી હતી. મેં ધારાસભ્ય પ્રશાંત ફુકન અને રાજ્ય મંત્રી રામેશ્વર તેલી સાથે ઉડાન ભરી હતી. ભગવાનની કૃપાથી હવે અમે બધા સુરક્ષિત છીએ.