દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસનો કહેર જોવા મળી રહ્યો છે. જેના કારણે ઘણી ટ્રેનો અને ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ રહી છે. પરિણામે મુસાફરોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર કેટલાક આવા વીડિયો પણ સામે આવી રહ્યા છે, જેમાં ફ્લાઈટ પ્રભાવિત થવાને કારણે હવાઈ મુસાફરો પોતાનો ગુસ્સો એર સ્ટાફ પર ઠાલવી રહ્યા છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મુસાફરો રનવે પર ઈન્ડિગો પ્લેનની એકદમ નજીક બેસીને ભોજન લેતા જોવા મળે છે. આ વીડિયો રવિવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટનો હોવાનું કહેવાય છે.
વાસ્તવમાં રવિવારે ગોવાથી ઉપડેલી ફ્લાઇટ ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પર ઉતરી શકી ન હતી અને તેને મુંબઈ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ગોવામાં ફ્લાઈટ પહેલાથી જ મોડી પડી હોવાથી પેસેન્જરો પહેલેથી જ ગુસ્સે હતા અને જ્યારે પ્લેન મુંબઇમાં લેન્ડ થયું ત્યારે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને લેન્ડિંગ પછી ઇન્ડિગોના વિરોધમા રનવે પર બેસીને ખાવાનું શરૂ કર્યું હતું.
રનવે પર બેસીને મુસાફરોએ જમવાનુ શરૂ કર્યું
આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન લેન્ડ થતાની સાથે જ ઘણા પેસેન્જર્સ રનવે પર બેસી ગયા હતા અને ત્યાં જમતા પણ જોવા મળ્યા હતા. ઈન્ડિગોના પ્રવક્તાએ કહ્યું કે એરલાઈન્સ આ ઘટનાની તપાસ કરી રહી છે અને તેણે તેના ગ્રાહકોની માફી પણ માંગી છે.
મુંબઈ એરપોર્ટના એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે ઈન્ડિગો ફ્લાઇટ 6E 2195 (ગોવાથી દિલ્હી)ને ડાયવર્ટ કરવામાં આવી હતી. આ પછી એરપોર્ટ ઓપરેટરે, CISF QRT સાથે સંકલન કરીને મુસાફરોને સુરક્ષા ક્ષેત્રમાં લઇ ગયા હતા. મુસાફરોએ ટર્મિનલ બિલ્ડિંગ તરફ આગળ વધવાની ના પાડી દીધી હતી. નોંધનીય છે કે એરપોર્ટ રનવે પર મુસાફરોને આવવાની મંજૂરી નથી અને આ ઘટના સ્પષ્ટ રીતે સુરક્ષાનો ભંગ છે. આ ઘટના પર લેવામાં આવેલી કાર્યવાહી અંગેની માહિતી તાત્કાલિક ઉપલબ્ધ નથી.
ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરાઇ હતી
આ અંગે ઈન્ડિગોએ કહ્યું કે, અમે રવિવારે ગોવાથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E2195 સંબંધિત ઘટનાથી વાકેફ છીએ. દિલ્હીમાં વિઝિબિલિટી ઓછી હોવાને કારણે ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. અમે અમારા ગ્રાહકોની માફી માંગીએ છીએ. અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ.