NITI Report: નીતિ આયોગે સોમવારે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે 2013-14થી 2022-23 સુધીના નવ વર્ષમાં 24.82 કરોડ લોકો બહુઆયામી ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ સમયગાળા દરમિયાન બહુપરિમાણીય ગરીબીમાં સૌથી મોટો ઘટાડો ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં નોંધાયો હતો. બહુપરિમાણીય ગરીબીને સ્વાસ્થ્ય, શિક્ષણ અને જીવન સ્તરમાં સુધારના આધાર પર માપવામાં આવે છે.






નવ વર્ષમાં 29.17 ટકાથી ઘટીને 2022-23 માં 11.28 ટકા થઈ


નીતિ આયોગના રિપોર્ટ મુજબ, ભારતમાં બહુપરીમાણીય ગરીબી 2013-14માં 29.17 ટકાથી ઘટીને 2022-23માં 11.28 ટકા થવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન લગભગ 24.82 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળી ગયા છે.ગરીબોની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો યુપીમાં થયો છે, ત્યારબાદ બિહાર, એમપી અને રાજસ્થાનનો નંબર આવે છે.


ઉત્તર પ્રદેશમાં છેલ્લા નવ વર્ષમાં 5.94 કરોડ લોકો બહુપરીમાણીય ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ પછી બિહારમાં 3.77 કરોડ, મધ્યપ્રદેશમાં 2.30 કરોડ અને રાજસ્થાનમાં 1.87 કરોડ લોકો બહુઆયામી ગરીબીમાંથી બહાર આવ્યા છે.


રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 2005-06 થી 2015-16ના સમયગાળાની (7.69 ટકા વાર્ષિક ઘટાડાનો દર) તુલનામાં 2015-16 થી 2019-21 વચ્ચે ગરીબીના ગુણોત્તરમાં ઘટાડાનો દર ઘણો ઝડપી (ઘટાડાનો વાર્ષિક દર 10.66 ટકા) હતો.


નીતિ આયોગનું આ ચર્ચાપત્ર સોમવારે નીતિ આયોગના સભ્ય પ્રોફેસર રમેશ ચંદ દ્વારા કમિશનના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમની હાજરીમાં બહાર પાડવામાં આવ્યું હતું. ઓક્સફર્ડ પોલિસી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ (ઓપીએચઆઇ) અને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) એ આ નીતિ આયોગ પેપર માટે તકનીકી ઇનપુટ્સ પ્રદાન કર્યા છે.


નીતિ આયોગ અનુસાર, રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણમાં ફેરફારના આધારે વંચિતોને માપે છે. આ 12 ટકાઉ વિકાસ લક્ષ્યોના આધારે સૂચકાંકો દ્વારા માપવામાં આવે છે. આમાં પોષણ, બાળ અને કિશોર મૃત્યુદર, માતાનું સ્વાસ્થ્ય, શાળામાં ભણવાના વર્ષો, શાળામાં હાજરી, રસોઈનું બળતણ, સ્વચ્છતા, પીવાનું પાણી, વીજળી, આવાસ, સંપત્તિ અને બેન્ક એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે.