પાક. તરફથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ કરનાર BSF જવાન ગુરનામ સિંહ શહિદ
abpasmita.in | 23 Oct 2016 08:51 AM (IST)
જમ્મુ: પાકિસ્તાની રેન્જર્સના ફાયરિંગમાં ઈજા પામેલા બીએસએફ કોન્સ્ટેબલ ગુરનામ સિંહ શહીદ થયા છે. ગુરનામે સાથી જવાનો સાથે મળીને પાકિસ્તાની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી હતી. ઉલ્લેખનીય છે કે 21 ઓક્ટોબરે પાકિસ્તાની રેન્જર્સની સાથે અથડામણમાં ઘાયલ થયા બાદ તેને જમ્મુની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને માથામાં ગોળી વાગી હતી. 24 વર્ષીય ગુરનામનો પરિવાર સામાન્ય સ્થિતિમાં જીવે છે. તે જમ્મુના આરએસ પુરાથી હતા. તેમના પિતા સ્કૂલ બસ ડ્રાઈવર છે. શનિવારે મોડી રાત્રે તેની શહીદી બાદ જમ્મુમાં બીએસએફના આઈજી ડીકે ઉપાધ્યાયે કહ્યું કે, તેણે બહાદુરી સાથે દુશ્મનોનો સામનો કર્યો, અમે અમારો બહાદુર જવાન ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુરનામ રેજીમેંટ 173 બીએસએફ (ઈ કંપની)માં ફરજ બજાવતો હતો. તેને માથામાં ગોળી વાગી હતી. ગુરનામની જમ્મુમાં સારવાર ચાલી રહી હતી. 19-20 ઓક્ટોબરની રાતે જમ્મુના હીરાનગર સેક્ટરના બોબિયા પોસ્ટ પર ગુરનામ ડ્યુટી પર હતો. રાતે તેણે સરહદ પર હલચલ જોતા આશરે 150 મીટર દૂર કંઈક ધૂંધળા ચહેરા નજરે પડ્યા. તેણે વિલંબ કર્યા વગર પોતાના સાથીઓને એલર્ટ કર્યા અને પડકાર ફેંકતા આતંકી હોવાની ખબર પડી. રિપોર્ટ્સ મુજબ 21 ઓક્ટોબરે સવારે પાકિસ્તાની રેન્જર્સે સ્નાઈપર રાયફલ્સથી ગુરનામ પર ફાયરિંગ કર્યું. માથામાં ગોળી વાગવાથી તે ઘાયલ થયો હતો. કઠુઆના હીરાનગર વિસ્તારમાં બુધવારની રાતે ગુરનામના સાથે બીએસએફ જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી હતી.