નવી દિલ્હી: દિલ્હી રેપ પીડિતાની ઓળખ જાહેર કરવાના મામલે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે કાર્યવાહી કરી છે. બંને સોશિયલ મીડિયા વેબસાઈટે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પોસ્ટને હટાવી છે. બાલ સંરક્ષણ આયોગે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને આવી પોસ્ટ હટાવવા માટે કહ્યું હતું,જેનાથી રેપ પીડિતા અને તેના પરિવારની ઓળખ જાહેર થાય છે.
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ફેસબુકને નોટિસ મોકલી નિર્દેશ આપ્યા હતા કે તેઓ રાહુલ ગાંધીના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર દિલ્હી બળાત્કાર પીડિત બાળકીના પરિવારની ઓળખ જાહેર કરવાની પોસ્ટને હટાવવાને લઈ કાર્યવાહી કરે અને આયોગને તેના વિશે જાણકારી આપે.
જણાવી દઇએ કે, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ (NCPCR) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તે પોસ્ટને હટાવવા માટે નોટિસ આપી હતી. અગાઉ ટ્વિટરે રાહુલ ગાંધીનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું અને તેને તેની નીતિઓનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. આ અંગે રાજકીય કોરિડોરમાં હંગામો થયો હતો.
એક તસવીરમાં રાહુલ ગાંધી દિલ્હી દુષ્કર્મ પીડિતાનાં પરિવાર સાથે જોવા મળી રહ્યા હતાય વિપક્ષનાં નેતાઓ સહિત સામાજિક કાર્યકરોએ રાહુલની આ પોસ્ટનો સખત વિરોધ કર્યો હતો અને તેમની સામે કાર્યવાહીની માંગ કરી હતી. આ પછી ટ્વિટરે રાહુલ ગાંધીનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતુ. ટ્વિટરે કહ્યું કે, રાહુલ ગાંધીએ અમારા મંચની નીતિઓનું ઉલ્લંઘન કર્યું છે.
કોંગ્રેસનાં નેતાઓએ ટ્વિટરની આ કાર્યવાહી સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. આ પછી, ટ્વિટરે કોંગ્રેસનાં ઘણા નેતાઓ સહિત પાર્ટીનાં સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને પણ બ્લોક કરી દીધા હતા. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ (NCPCR) દ્વારા આપવામાં આવેલી નોટિસ બાદ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામએ પણ રાહુલ ગાંધીની આ પોસ્ટને હટાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, એનસીપીસીઆરએ ફેસબુક ઇન્ડિયા અને ઇન્સ્ટાગ્રામ પરથી રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો પણ માંગી હતી.