કેન્દ્ર સરકારની નિમણૂક સમિતિએ દેશના ત્રણ મુખ્ય અર્ધલશ્કરી દળોના મહાનિર્દેશકોના નામોની જાહેરાત કરી છે. નિમણૂક સમિતિએ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ની કમાન નીના સિંહને સોંપી દીધી છે.આ જાહેરાત સાથે IPS અધિકારી નીના સિંહ CISFના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ (DG) બન્યા છે. અત્યાર સુધી તેમના નામે રાજસ્થાનની પ્રથમ મહિલા IPS ઓફિસર બનવાનું ગૌરવ હતું.






ઉલ્લેખનીય છે કે 1989 બેચના IPS ઓફિસર નીના સિંહ રાજસ્થાન કેડરના છે. હાલમાં તેઓ સીઆઈએસએફમાં સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ તરીકે તૈનાત હતા અને ડિરેક્ટર જનરલનો ચાર્જ સંભાળી રહ્યા હતા. એપોઇન્ટમેન્ટ કમિટીના આદેશ અનુસાર, નીના સિંહની આ પોસ્ટિંગ આગામી સાત મહિના માટે છે. તેઓ 31 જુલાઈ 2024ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.


અનીશ દયાલ સિંહ CRPFના ડાયરેક્ટર જનરલ બન્યા


કેન્દ્ર સરકારે IPS અધિકારી અનીશ દયાલ સિંહને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે. અનીશ દયાલ અત્યાર સુધી ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના મહાનિર્દેશક તરીકે તૈનાત હતા. આઈપીએસ અધિકારી એસએલ થાઓસેનની નિવૃત્તિ બાદ તેઓ સીઆરપીએફના મહાનિર્દેશકનો વધારાનો હવાલો પણ સંભાળી રહ્યા હતા. એસએલ થાઓસેન 30 નવેમ્બર 2023 ના રોજ CRPF મહાનિર્દેશકના પદ પરથી નિવૃત્ત થયા.






અનીશ દયાલ સિંહ મણિપુર કેડરના 1988 બેચના IPS અધિકારી છે. એપોઇન્ટમેન્ટ કમિટીના જણાવ્યા અનુસાર, IPS અધિકારી અનીશ દયાલ સિંહને 31 ડિસેમ્બર, 2024 સુધી CRPFના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આ દિવસે નિવૃત્ત થઈ રહ્યા છે.


રાહુલ રસગોત્રા ITBPના નવા વડા બન્યા


એપોઇન્ટમેન્ટ કમિટીએ IPS અધિકારી રાહુલ રસગોત્રાને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા છે. રાહુલ રસગોત્રા હાલમાં ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)માં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે તૈનાત હતા. રાહુલ રસગોત્રા પણ મણિપુર કેડરના આઈપીએસ અધિકારી છે. તેમણે 1989માં પોલીસ ઓફિસર તરીકે પોતાની સફર શરૂ કરી હતી. તેમનું પોસ્ટિંગ તેમની નિવૃત્તિ તારીખ એટલે કે 30 સપ્ટેમ્બર, 2025 સુધી કરવામાં આવ્યું છે.