ભાજપના નેતા શાઇના એનસીએ કહ્યું કે, આ મામલો કોર્ટમાં છે અને પુરાવાઓ સાબિત કરશે કે કોઇ વ્યક્તિ દોષિત છે કે નહીં. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે આ મામલાને વર્તમાન સરકાર સાથે જોડવાની જરૂર હોય. ભાજપ અહીં સ્થિર સરકાર આપવા માટે છે.
એસીબીના ડીજીએ કહ્યું કે, સિંચાઇ કૌભાંડમાં નવ કેસોમાં અજિત પવારની કોઇ ભૂમિકા નથી. આ કેસને બંધ કરવા માટે ત્રણ મહિના અગાઉ ભલામણ કરવામાં આવી હતી. સિંચાઇ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં લગભગ 3000 ટેન્ડરોની તપાસ કરવામાં આવી રહી છે જેમાંથી નવ મામલામાં અજિત પવાર વિરુદ્ધ કોઇ પુરાવા મળ્યા નથી. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં આશ્વર્યજનક રીતે શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
બીજી તરફ એસીબીએ સ્પષ્ટતા કરી હતી કે જે કેસને બંધ કરવામાં આવ્યા છે તે અજિત પવાર સાથે જોડાયેલા નથી. મહારાષ્ટ્ર એસીબીએ સોમવારે કહ્યું કે, એ નવ કેસને બંધ કરી દીધા છે આ મામલાઓ અજિત પવાર સાથે જોડાયેલા નથી.