Atishi on AAP future: આમ આદમી પાર્ટી (AAP) ના 7 સાંસદોએ બળવો કરીને ભાજપનો ખેસ પહેરી લેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપ સતત એવો દાવો કરી રહ્યું છે કે હવે 'આપ' ખતમ થવાના આરે છે અને તેમાં માત્ર ભ્રષ્ટ નેતાઓ જ બચ્યા છે. જોકે, આ મુદ્દે પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીએ ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે. આતિશીએ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી તૂટવાની નથી, અને છેલ્લા 15 વર્ષમાં ભાજપે 15 વખત આપના અંતની ભવિષ્યવાણી કરી છે, પરંતુ આજે પણ આમ આદમી પાર્ટી દેશની સૌથી ઝડપથી વિકસતી પાર્ટી છે.
દિલ્હી વિધાનસભામાં આતિશીનો ભાજપ પર કટાક્ષ
દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા આતિશીએ ભાજપના નિવેદનોનો આકરો જવાબ આપતા કહ્યું કે, "ભાજપે છેલ્લા 15 વર્ષમાં 15 વખત અમારી પાર્ટી માટે 'શોક સંદેશ' વાંચ્યા છે. દર 6 મહિને ભાજપ જાહેર કરી દે છે કે અરવિંદ કેજરીવાલનું રાજકારણ હવે પૂરું થઈ ગયું છે. પરંતુ હકીકત એ છે કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી દેશમાં સૌથી વધુ ઝડપે આગળ વધી રહી છે." અગાઉ ભાજપે એવો કટાક્ષ કર્યો હતો કે હવે આપમાં માત્ર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારું મુખ્ય જૂથ જ બચ્યું છે અને બધા સારા લોકો પાર્ટી છોડીને જતા રહ્યા છે.
'દેશ એક નવો વિકલ્પ શોધી રહ્યો છે'
આતિશીએ પાર્ટીની જબરદસ્ત સિદ્ધિઓ ગણાવતા કહ્યું કે, "માત્ર 10 જ વર્ષમાં પાર્ટીએ દિલ્હીમાં 3 વખત સરકાર બનાવી છે. પંજાબમાં પહેલીવાર ચૂંટણી લડીને અમે મુખ્ય વિપક્ષ બન્યા અને બીજી વારમાં તો જંગી બહુમતીથી જીત મેળવી સરકાર પણ બનાવી લીધી. આ ઉપરાંત ગુજરાત અને ગોવામાં પણ અમારા ધારાસભ્યો ચૂંટાયા છે અને જમ્મુ-કાશ્મીરમાં પણ અમારો 1 ધારાસભ્ય છે." તેમણે દાવો કર્યો કે આ બધું સ્પષ્ટપણે દર્શાવે છે કે દેશની જનતા હવે જૂની રાજનીતિથી કંટાળીને એક અલગ પ્રકારની રાજનીતિ અને નવો વિકલ્પ શોધી રહી છે, અને 'આપ' તે વિકલ્પ બની રહી છે.
'ભાજપના કાવતરાનો પર્દાફાશ થયો છે'
ભાજપ પર વધુ આકરા પ્રહાર કરતા આતિશીએ ઉમેર્યું કે, હવે જ્યારે ટ્રાયલ કોર્ટ અને CBI કોર્ટના આદેશોથી ભાજપના ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો છે, ત્યારે તેઓ ડરી ગયા છે અને બેચેન બન્યા છે. અરવિંદ કેજરીવાલને ફસાવવા માટે કેવા ખોટા આરોપો લગાવીને કાવતરું ઘડવામાં આવ્યું હતું તે આજે આખા દેશે જોયું છે. આ સત્ય રાષ્ટ્ર સમક્ષ આવી જતા, ફરી એકવાર ભાજપ ED અને CBI નો દુરુપયોગ કરવા પર ઉતરી આવ્યું છે.
