નવી દિલ્હીઃ ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને ફરી એકવાર ઇતિહાસ રચ્યો, શ્રીહરિકોટાથી મિશન ચંદ્રયાન-2નું લૉન્ચિંગ કરવામાં આવ્યુ. અંતરિક્ષની દુનિયામાં ભારેત આજે ફરી એકવાર ઇતિહાસ રચતા બપોરે 2.43 મિનીટ પર સફળતાપૂર્વક ચંદ્રયાન-2ને લૉન્ચ કર્યુ હતું. ચંદ્ર પર ભારતનું બીજુ સૌથી મોટુ મિશન છે.


ચંદ્રયાન-2 ચંદ્રની દક્ષિણી ધ્રૂવ પર લેન્ડિંગ કરશે, જે ચંદ્રની માટીની તપાસ કરશે અને ચંદ્રના વાતાવરણનો પણ રિપોર્ટ આપશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 15 જુલાઇએ ચંદ્રયાન-2નું લૉન્ચિંગ થવાનુ હતુ, પણ ટેકનિકલી ખામીના કારણે લૉન્ચિંગને પૉસ્ટપોન્ડ રાખવામાં આવી હતી, જેને આજે સફળતાપૂર્વક લૉન્ચ કરી દેવામાં આવ્યુ છે.



આજનો દિવસ ભારતા માટે ઐતિહાસિક છે, કેમકે લગભગ 11 વર્ષ બાદ ઇસરોએ ફરીથી ચંદ્ર પર ભારતનો પરચમ લહેરાવવા જઇ રહ્યું છે. ઇસરોએ કહ્યું કે, ચંદ્રયાન-2ને ચંદ્ર પર ઉતરતા 54 દિવસ લાગશે. ઇસરો અનુસાર ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણી ધ્રૂવ વિસ્તારમાં ઉતરશે.



નોંધનીય છે કે, ભારતનું આ બીજુ ચંદ્રયાન મિશન છે, અગાઉ વર્ષ 2008માં ભારતે ચંદ્રયાન-1ને સફળતાપૂર્વક લૉન્ચ કર્યુ હતુ. તે અનુસાર ચંદ્રયાન-2 ચંદ્રના ભૌગોલિક વાતાવરણ, તેના વાયુમંડળની બહારનું આવરણ, ખનિજ અને ચંદ્ર પર પાણીની ઉપલબ્ધતાની માહિતી એકઠી કરશે.