નવી દિલ્લીઃ ભારતમાં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી પછી 2800 વિદેશી કંપની ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરીને જતી રહી છે. ભારત માટે વિદેશી રોકાણ મહત્વનું છે ત્યારે આટલા મોટા પ્રમાણમાં વિદેશી કંપનીઓ ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરીને જતી રહી એ સમાચાર આંચકાજનક છે. ખૂદ કેન્દ્ર સરકારે આ કબૂલાત કરી છે.
સત્તાવાર રીતે અપાયેલી માહિતી પ્રમાણે, લોકસભાની 2014ની ચૂંટણી બાદ સત્તામાં આવેલી કેન્દ્રની મોદી સરકારના શાસનમાં છેલ્લા સાત વર્ષમાં લગભગ 2800 વિદેશી કંપનીઓએ ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે સંસદમાં આ માહિતી આપતા કહ્યું કે, 2014થી અત્યાર સુધીમાં લગભગ 2800 વિદેશી કંપનીઓએ ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે. તેમણે કહ્યું કે હાલમાં લગભગ ૧૨,૫૦૦ વિદેશી કંપનીઓ ભારતમાં પેટાકંપનીઓ એટલે કે સબસિડરીઝ દ્વારા કામકાજ કરી રહી છે.
એક લેખિત પ્રશ્નના જવાબમાં ભારતના કોમર્સ મિનિસ્ટર ગોયલે જણાવ્યું હતું કે, છેલ્લા સાત વર્ષમાં 2783 વિદેશી કંપનીઓએ ભારતમાં તેમની કામગીરી બંધ કરી છે. આ કંપનીઓની સંપર્ક ઓફિસ, બ્રાન્ચ ઓફિસ, પ્રોજેક્ટ ઓફિસ અથવા પેટાકંપનીના બેનર હેઠળ ભારતમાં નોંધાયેલી હતી. તેમણે કહ્યું કે, આ કંપનીઓએ વ્યવસાયિક હેતુ કે પ્રોજેક્ટ પૂરા થતાં પેરેન્ટ કંપનીનું પુનર્ગઠન, મર્જર અથવા મેનેજમેન્ટના અન્ય કોઈ નિર્ણયને કારણે ભારતમાં કામ કરવાનું બંધ કર્યું છે.
ગોયલે કહ્યું કે આ સમયગાળા દરમિયાન દેશમાં 10,756 વિદેશી કંપનીઓએ બિઝનેસ શરૂ કર્યો છે. આ કંપનીઓના રજીસ્ટ્રેશન બાદ હવે ભારતમાં કુલ 12,458 સક્રિય વિદેશી કંપનીઓ છે. ગોયલે કહ્યું કે આ આંકડો 30 નવેમ્બર, 2021 સુધીનો છે.
નોંધનીય છે કે વિશ્વ બેંકના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ભારત હાલમાં 63મા ક્રમે છે. 2014 પછી ભારતના રેન્કિંગમાં 79નો સુધારો થયો છે. જો કે આંતરરાષ્ટ્રીય કંપનીઓના ભારતના રોકાણમાં વધારવા માટે હજી મોટા પાયે સુધારાની જરૂર છે.