નવી દિલ્હીઃ  સોશિયલ મીડિયાના સહારે સત્તા પર આવેલી એનડીએ સરકાર વિરૂદ્ધ છેલ્લા કેટલાક સમયમાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર વિરૂદ્ધની ટીકાઓના પ્રસારના પગલે લોકોનો રોષ વધ્યો છે. કેન્દ્ર સરકારના નવા આઇટી નિયમોને લઇને વધી રહેલા વિરોધ વચ્ચે આજે મોદી સરકારના આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે સ્પષ્ટતા કરી હતી.


ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ મુજબ, નવા નિયમો ફક્ત સોશિયલ મીડિયાના દુરૂપયોગને રોકવા માટે બનાવવામાં આવ્યા છે. પ્રશ્નો પૂછવાના અધિકાર સહિતની ટીકાને સરકાર આવકારે છે.  સરકાર ગોપનીયતાના અધિકારને પૂર્ણરૂપે માન્યતા આપે છે અને આદર આપે છે. વોટ્સએપના સામાન્ય વપરાશકારોએ નવા નિયમો અંગે ડરવાની કોઈ જરૂર નથી. તેનો ઉદ્દેશ નિયમોમાં ઉલ્લેખિત વિશિષ્ટ ગુનાહિત સંદેશની કોણે શરૂઆત કરી તે શોધવાનો છે.




એનડીએ સરકાર સોશિયલ મીડિયા પર નિયંત્રણ મેળવી લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારવાનો પ્રયાસ કરી રહી છે તેવી ચર્ચાએ સોશિયલ મીડિયામાં જોર પકડયું છે. ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, ગુગલ વગેરેના હેડક્વાર્ટર્સ ભારતમાં નથી આવેલા, જેને પગલે ભારતમાં આ સોશિયલ મીડિયા કંપનીઓ સંલગ્ન ફરિયાદો અને તેના નિવારણને લઇને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં કેન્દ્ર સરકારે આ વર્ષે ફેબુ્રઆરી મહિનામાં આઇટી કાયદામાં નિયમો ઉમેર્યા છે. જે મુજબ આ કંપનીઓેએ ભારતમાં નોડલ ઓફિસર, ફરિયાદ નિવારણ અિધકારી વગેરેની નિમણૂક કરવા કહ્યું હતું.


અને સાથે જ સોશિયલ મીડિયા પર જે વીડિયો, ફોટો અને લખાણ શેર થતા હોય તેને સૌથી પહેલા કોણે શેર કર્યા તેની માહિતી આપવાનું પણ ફરજિયાત કરી દીધુ છે. સરકારે કંપનીઓને આ નવા નિયમોના અમલ માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. છેલ્લા કેટલાક સમયમાં સોશિયલ મીડિયા પર સરકાર વિરૂદ્ધ ભારે પ્રચાર થયો છે.


પરિણામે સરકાર નવા નિયમો હેઠળ તેના  પર અંકુશ મેળવવા પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકારે માત્ર ગંભીર ગુનાઓના સંદર્ભમાં જ મેસેજનો મૂળ સ્રોત આપવાની વાત કરી છે, પરંતુ નવા નિયમોમાં ગંભીર ગૂનાઓ અંગે તેમજ વાંધાજનક માહિતી અંગે કોઈ સ્પષ્ટ પરિભાષા ન હોવાથી લોકો સરકાર વિરૂદ્ધ ટીપ્પણી કરતાં ગભરાશે.