નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્ધારા સરકારી નોકરીઓમાં અનામતને લઇને કરવામાં આવેલી ટિપ્પણી બાદ રાજકીય નિવેદનબાજી શરૂ થઇ ગઇ છે. કોગ્રેસ તરફથી આ મામલાને લઇને મોદી સરકાર પર દબાણ ઉભું કરવામાં આવી રહ્યુ છે અને સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલા પર મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ભાજપ અને આરએસએસના ડીએનએને અનામત ખૂંચે છે.


કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, આરએસએસ અને ભાજપની વિચારધારા અનામત વિરોધની છે. તે કોઇ પણ રીતે અનામતને હિંદુસ્તાનના બંધારણમાંથી કાઢવા માંગે છે. તેમણે કહ્યું કે પહેલા તેમણે રવિદાસ મંદિર તોડ્યું કારણ કે તેઓ એસટી અને એસટી સમુદાયના લોકો છે તેમને આગળ વધવા દેવા માંગતા નથી.

રાહુલે કહ્યું કે, ભાજપની રણનીતિ અનામદ કરવાની છે પરંતુ ભાજપવાળા ગમે તેટલા સ્વપ્ન જોઇ લે પરંતુ અમે એમ થવા દઇશું નહીં. અનામત બંધારણનો હિસ્સો છે. ભાજપ તરફથી તેને ખત્મ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હું હિંદુસ્તાનના લોકોને કહી રહ્યો છું અમે અનામતને ક્યારેય ખત્મ થવા દઇશું નહીં. મોદીજી કે ભાગવત સ્વપ્ન જોવે પરંતુ અમે એમ થવા દઇશું નહી.
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે એક મામલામાં કહ્યુ હતું કે, સરકારી નોકરીઓમાં અનામતનો દાવો કરવો મૌલિક અધિકાર નથી. એવામાં કોઇ કોર્ટ રાજ્ય સરકારોને એસસી અને એસટી વર્ગના લોકોને અનામત આપવાના નિર્દેશ આપી શકે નહીં. અનામત આપવાનો અધિકાર અને દાયિત્વ રાજ્ય સરકારોના વિવેક પર નિર્ભર કરે છે.