Terrorist Attack on Kashmiri Pandits: જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓએ ફરી એકવાર નાગરિકો પર હુમલો કર્યો છે. આતંકવાદીઓએ બે કાશ્મીરી પંડિત ભાઈઓને ગોળી મારી હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બીજાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
શોપિયાંના ચોટીગામમાં આ આતંકી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આતંકી હુમલાનો ભોગ બનેલા બે ભાઈઓની ઓળખ સુનીલ કુમાર અને પિન્ટુ કુમાર તરીકે થઈ છે. જ્યારે આ લોકો સફરજનના બગીચામાં હતા ત્યારે આતંકીઓએ હુમલો કર્યો હતો. આ આતંકી હુમલા બાદ પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે.
ટાર્ગેટ કિલિંગ અંગે જમ્મુ અને કાશ્મીરના આઈજીપીએ કહ્યું કે, "મહિલાઓ, બાળકો, નિઃશસ્ત્ર પોલીસકર્મીઓ અને બહારના મજૂરો સહિત નિર્દોષ નાગરિકોને નિશાન બનાવીને આતંકવાદીઓ ખીણમાં શાંતિ સ્થાપવાના અમારા પ્રયાસોને રોકી શકતા નથી. અમારા સીટી ઓપરેશન કાશ્મીરના તમામ 3 વિસ્તારોમાં એકસાથે ચાલુ રહેશે. તાજેતરમાં જ બડગામ જિલ્લાના વોટરહેલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગમાં સામેલ આતંકી લતીફ રાથર માર્યો ગયો હતો. લતીફ રાથરની હત્યા બાદ કાશ્મીરમાં નાગરિકો પર હુમલાની આ સતત બીજી ઘટના છે.
કાશ્મીરના ADGP વિજય કુમારે જણાવ્યું હતું કે લતીફ રાથર ઘણા નિર્દોષ નાગરિકોની હત્યામાં સામેલ હતો. તે રાહુલ ભટ્ટ અને આમરીન ભટ્ટની હત્યામાં પણ સામેલ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે 24 કલાકમાં નાગરિકો પર આ બીજો આતંકવાદી હુમલો છે. ચાર દિવસ પહેલા બાંદીપોરામાં આતંકવાદીઓએ એક મજૂરને ગોળી મારીને હત્યા કરી હતી.