DELHI : દેશમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપે જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના NDAના ઉમેદવાર જાહેર કર્યા છે. દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં બીજેપીની સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ અને મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ હાજર હતા.
જેપી નડ્ડાએ કરી જાહેરાત દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં બીજેપીની સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાયા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAમના ઉમેદવાર તરીકે જગદીપ ધનખડના નામની જાહેરાત કરી હતી.
પીએમ મોદી સાથે કરી હતી મુલાકાતઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં બીજેપીની સંસદીય બોર્ડની બેઠક યોજાઈ એ પહેલા જ જગદીપ ધનખડ અને પીએમ મોદી વચ્ચે મુલાકાત થઇ હતી. આ મુલાકાત બાદ જ રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી હતી કે ભાજપ જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર બનાવશે, અને થયું પણ એવું જ.
આ નામો પણ ચર્ચામાં હતા એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કોણ હશે તે અંગે ઘણા નામો પર ચર્ચા થઈ રહી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે દેશમાં રાષ્ટ્રપતિ માટે આદિવાસી મહિલા પર દાવ લગાવ્યા બાદ ઉપરાષ્ટ્રપતિ પદ માટે લઘુમતી ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.
આવી પણ ચર્ચાઓ થઇ રહી હતી કે ભાજપ ઉપરાષ્ટ્રપતિ માટે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને મેદાનમાં ઉતારી શકે છે. આ સિવાય કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનની પણ મુસ્લિમ સમુદાય સાથે ઘણી ચર્ચા થઈ રહી હતી. ભાજપ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને શીખ ચહેરા કેપ્ટન અમરિંદર પર પણ દાવ લગાવી શકે છે. એવી પણ ચર્ચા હતી. સાથે જ નજમા હેપતુલ્લાની પણ ચર્ચા થઈ રહી હતી.