સુરક્ષા એજન્સીએ આ મામલે રાજસ્થાનના જેસલમેરથી પોખરણ ફાયરિંગ રેંજ પાસે લાઠી ગામના એક પૂર્વ સરપંચની ધકપકડ કરી છે. આઈએસઆઈ હનીટ્રેપમાં ફસાયેલા આ વ્યક્તિનું નામ સત્યનારાયણ પાલીવાલ છે. આ વ્યક્તિ અહીંનો સરપંચ રહી ચુક્યો છે.
તપાસમાં થયેલા ખુલાસા મુજબ, સત્યનારાયણે સેનાની ગતિવિધિની અનેક માહિતી આઈએસઆઇને આપી છે. આરોપીએ આઈએસઆઈની છોકરીઓ સાથે વાત કરવા માટે સોશિયલ મીડિયા પર નકલી એકાઉન્ટ બનાવ્યું હતું. જેના દ્વારા તે માહિતી આઈએસઆઈને મોકલતો હતો.
સરહદી વિસ્તારમાં સોશિયલ મીડિયા પર વોચ રાખતી એજન્સીને આ એકાઉન્ટ પર શંકા ગઈ હતી. જે બાદ તેના પર વધારે દેખરેખ રાખવામાં આવી હતી. જેમાં ખબર પડી કે એકાઉન્ટ દ્વારા અનેક સંવેદનશીલ માહિતી મોકલવામાં આવતી હતી. આ માહિતી સામે આવતાં જ એજન્સીએ તાત્કાલિક આ વ્યક્તિની ધરપકડ કરી હતી.
રાજસ્થાનની ઈંટેલિજેંસ એજન્સીઓ ઉપરાંત સેનાની ઈંટેલિજેંસ એજન્સીઓ પણ આ વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. આરોપી સત્યનારાયણ પાલીવાલના ભાઈની પત્ની આ વિસ્તારની સરપંચ છે. પોલીસ વધુ માહિતી એકત્ર કરી રહી છે.