Jalpaiguri: પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં બુધવારે રાત્રે આયોજીત દુર્ગા વિસર્જન દરમિયાન માલબજાર નદીમાં અચાનક પૂર આવવાની ઘટના બની છે. નદીમાં આવેલા પાણીના પ્રવાહથી 100 થી વધુ લોકો તણાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ પૂરમાં તણાઈ જવાથી ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. આ ઘટના જલપાઈગુડીના માલબજારમાં રાત્રે લગભગ 9 વાગ્યે બની હતી.

7 લોકોના મૃતદેહ મળ્યા...

પ્રારંભિક માહિતી અનુસાર, મૂર્તિ વિસર્જન માટે ભેગા થયેલા ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા અને કેટલાક અન્ય લોકો અચાનક પૂરને કારણે લાપતા થયા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે માલ બજાર નદીના કિનારે વિજયા દશમીની ઉજવણી માટે ભીડ એકઠી થઈ હતી. ઘટના બાદ તરત જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જલપાઈગુડીમાં આવેલા આ અચાનક પુરમાં તણાયેલા લોકોની શોધ હજુ ચાલુ છે.