કાશ્મીરઃજમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહેલા પીડીપી, કોગ્રેસ અને નેશનલ કોન્ફરન્સને ઝટકો લાગ્યો છે. રાજ્યપાલે જમ્મુ કાશ્મીર વિધાનસભા ભંગ કરી દીધી છે ત્યારબાદ સરકાર રચવાની તમામ સંભાવનાઓ ખત્મ થઇ ગઇ છે. હવે રાજ્યમાં ફરીથી ચૂંટણી યોજાશે. વિધાનસભા ભંગ કરવાના રાજ્યપાલના નિર્ણય બાદ ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કરી જણાવ્યું કે, નેશનલ કોન્ફરન્સ છેલ્લા પાંચ મહિનાથી વિધાનસભા ભંગ કરવાની માંગણી કરી રહી હતી. આ કોઇ સંયોગ હોઇ શકે નહી કે પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ સરકાર બનાવવાનો દાવો કર્યો તેની થોડી મિનિટો બાદ જ રાજ્યપાલે વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય લીધો છે.
આ અગાઉ પીડીપી, કોગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. અગાઉ પીડીપીના વડા મહબૂબા મુફ્તીએ જણાવ્યું હતું કે તેમણે નેશનલ કોન્ફરન્સ અને કોગ્રેસના સમર્થન પત્ર સાથે રાજ્યપાલને ચિઠ્ઠી લખી છે.પીડીપીના ધારાસભ્ય ઇમરાન અંસારીએ દાવો કર્યો હતો કે તેમની સાથે 18 ધારાસભ્યો છે. અમે પણ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરીશું.
પીડીપી-બીજેપી સરકાર પડ્યા હાલમાં રાજ્યમાં સરકાર બનાવવા માટે કોગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી એક સાથે આવી રહ્યા છે. મહબૂબા મુફ્તીએ કહ્યું કે, અમારુ સંપૂર્ણ ધ્યાન 35એ અને રાજ્યને ખાસ દરજ્જાને લઇને છે. જેનો મુદ્દો જાન્યુઆરીમાં ઉઠ્યો હતો. જ્યારે હું મુખ્યમંત્રી હતી ત્યારે મે તેનો વિરોધ કર્યો હતો. કાશ્મીરી લોકોએ આ માટે ખૂબ કુર્બાની આપી છે. તે સમયે અનેક એવા ફેરફાર કરવાની વાત હતી જે લોકોના હિતમાં નહોતી. મહબૂબાએ ત્રણેય પક્ષોના એકસાથે આવવા પર તર્ક આપ્યો હતો કે રાજ્યને મળેલો ખાસ રાજ્યનો દરજ્જો બચાવવા માટે અમે એક સાથે આવ્યા છીએ. પીડીપી પાસે 28 ધારાસભ્ય છે, જ્યારે નેશનલ કોન્ફરન્સ પાસે 15 અને કોંગ્રેસના 12 ધારાસભ્ય છે. ત્રણે પાર્ટીઓ પાસે કુલ મળી 55 ધારાસભ્ય છે, જે બહુમત કરતા ઘણા વધારે છે. નેશનલ કોન્ફરન્સના સૂત્રોએ જણાવ્યું કે, તે ગઠબંધન સરકારમાં ભાગીદાર નહી બને, પરંતુ તેમને બહારથી સમર્થન આપવામાં કોઈ પરેશાની નથી.