ચંદીગઢઃ ગુરુ ગ્રંથ સાહેબના અપમાનના મામલે આજે અક્ષય કુમારની પૂછપરછ થશે. SIT સામે રજૂ થવા માટે આજે સવારે અક્ષય કુમાર ચંદીગઢ પહોંચી ગયો છે. અહીંયા તે નિવેદન નોંધાવવા અને ઈન્વેસ્ટિગેશનમાં સહયોગ આપવા પહોંચ્યો છે. અક્ષય કુમારને આ મામલે પહેલા અમૃતસર બોલાવવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેની અરજી પર  ચંદીગઢમાં રજૂ થવાની મંજૂરી આપવામાં આવી હતી.

બરગાડીમાં શીખોના પવિત્ર ગ્રંથના અપમાન મામલે સીટના સમન્સ બાદ અક્ષય કુમારે આ મામલે થોડા દિવસો પહેલા મૌન તોડીને જણાવ્યું કે, તેના પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. તેણે ટ્વિટર પર સ્ટેટમેન્ટ મૂકીને કહ્યું હતું કે, (1) હું મારા જીવનમાં ક્યારેય કોઈ ગુરમીત રામ રહિમ સિંહ નામના વ્યક્તિને મળ્યો નથી. (2) સોશિયલ મીડિયાની કેટલીક વાતો પરથી હું જાણી શક્યો છું કે ગુરમીત રામ રહિમ સિંહ મુંબઈના જૂહુ વિસ્તારમાં ક્યાંક રહે છે પરંતુ મારી તેમની સાથે ક્યારેય મુલાકાત થઈ નથી. (3) હું અનેક વર્ષોથી પંજાબી સંસ્કૃતિ અને તેના સુવર્ણ ઈતિહાસ તથા શીખ ધર્મોના સંસ્કારોને મારી ફિલ્મોના માધ્યમથી પ્રચાર કરતો રહ્યો છું. મને પંજાબી હોવાનો ગર્વ છે અને હું શીખ ધર્મનો ખૂબ આદર કરું છું. મેં ક્યારેય કોઈ એવું કામ નથી કર્યું કે જેનાથી મારા પંજાબી ભાઈઓ અને બહેનોની ભાવનાઓને ઠેસ પહોંચે. તેમના પ્રત્યે મારા મનમાં ખૂબ આદર અને પ્રેમ છે. હું એ લોકોને પડકાર આપું છું જે લોકો આને ખોટું સાબિત કરી શકે.

ગુરુ ગ્રંથ સાહેબના અપમાન મામલે જજ રણજીત સિંહ પંચની રિપોર્ટમાં અક્ષયનું નામ આવ્યું હતું. અક્ષય પહેલા જ સુખબીર સિંહ બાદલ અને ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ વચ્ચે કોઈ બેઠક કરાવી હોવાની વાતને નકારી ચુક્યો છે. ગુરમીત હાલ બળાત્કારના 2 કેસમાં 20 વર્ષ જેલની સજા કાપી રહ્યો છે.