શ્રીનગર: જમ્મુ કાશ્મીર પીપલ્સ કૉગ્રેસના અધ્યક્ષ સજ્જાદ લોનેને પ્રશાસને એક વર્ષ બાદ આજે મુક્ત કર્યા છે. મોદી સરકારે ગત વર્ષે પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાની જાહેરાત કરી હતી, તેની સાથે જ જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવાનો નિર્ણય કર્યો છે. તેને ધ્યાનમાં રાખી નેતાઓની અટકાયત અને નજરકેદ કરવામાં આવ્યા હતા, હવે સજ્જાદ લોનને મુક્ત કરવામાં આવ્યા છે.


મુક્ત થયા બાદ સજ્જાને ટ્વિટર પર લખ્યું, “છેવટે એક વર્ષ પૂરા થવાના પાંચ દિવસ પહેલ મને જણાવવામાં આવ્યું કે હું મુક્ત છું. કેટલું બધુ બદલાઈ ગયું છે. હું પણ બદલાઈ ગયો. જેલનો આ નવો અનુભવ નહોતો. પરંતુ પહેલાનો શારીરિક ત્રાસવાળો હતો, આ માનસિક રીતે થકવનારું હતું . ”



લોનની મુક્તિ બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કૉન્ફ્રેન્સ નેતા ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યું, “સાંભળીને સારુ લાગ્યું કે, સજ્જાદ લોનને ગેરકાયદેસર નજરકેદમાંથી મુક્ત કરવામં આવ્યા છે. આશા છે કે, આ રીતે ગેરકાયદેસર નજરકેદ માંથી અન્ય લોકોને પણ મુક્ત કરવામાં આવે.”



આ પહેલા દિગ્ગજ નેતાઓમાં ફારુક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લાને મુક્ત કરવામાં આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી હજુપણ નજરકેદમાં છે. વિપક્ષ પાર્ટીઓ તમામ નેતાઓને મુક્ત કરવાની માંગ કરતી રહી છે.