શ્રીનગર: શ્રીનગરમાં ઠંડી વધતા જમ્મુ કાશ્મીર પ્રશાસને પાંચ ઓગસ્ટથી સેન્ટુર હોટલમાં નજરકેદ 34 રાજકીય નેતાઓને ધારાસભ્ય ગેસ્ટ હાઉસમાં મોકલી દેવાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે ઠંડી વધવાના કારણે નેશનલ કોન્ફ્રેન્સ, પીડીપી અને પીપુલ્સ કૉન્ફ્રેન્સના નેતાઓ, જાણીતા સામાજીક કાર્યકર્તાઓ અને તેમની સુરક્ષામાં લાગેલા જવાનોના સ્વાસ્થ્ય પર અસર પડી રહ્યો છે.

અધિકારીએ જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને શુક્રવારે શહેરના એક સરકારી સ્થળે મોકલી દેવાયા છે. મહેબૂબા મુફ્તીએ ટ્વિટર પર દાવો કર્યો હતો કે નેતાઓને બીજી જગ્યા શિફ્ટ કરતી વખતે પોલીસે નેતાઓ સાથે ગેરવર્તન કર્યું હતું. જો કે પોલીસે આ દાવાને નકારી દીધો છે.


નજરકેદ નેતાઓને પાંચ ઓગસ્ટે ડલ ઝીલના કિનારે સ્થિત એક હોટલમાં રાખવામાં આવ્યા હતા. તે દિવસે જ સરકારે સંવિધાનના આર્ટિકલ 370ની જોગવાઈ હટાવી દીધી હતી અને રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં શ્રીનગર સહિત કાશ્મીર ઘાટીમાં ખૂબ ઠંડી પડી રહી છે. આ મહિનાની શરૂઆતમાં સિઝની પ્રથમ બરફ વર્ષા થઈ હતી.