Jammu Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથળામણ ચાલી રહી છે, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. બારામુલ્લાના રફિયાબાદ વિસ્તારના વોટરગામ હદીપોરામાં એક દિવસ ચાલેલા સર્ચ ઓપરેશન બાદ આ એન્કાઉન્ટર શરૂ થયું હતું.
માનવામાં આવે છે કે આ વિસ્તારમાં બે આતંકીઓ ફસાયેલા છે, સતત ફાયરિંગ ચાલુ છે. આ પહેલા સોમવારે કેન્દ્રશાસિત પ્રદેશના બાંદીપોરા જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા પછી, સુરક્ષા દળોએ રવિવારે રાત્રે જિલ્લાના અરગામ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું.
કાશ્મીર ઝોન પોલીસે શું કહ્યું?
અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરીની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ બુધવારે સવારે બારામુલ્લા જિલ્લાના વોટરગામ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. આ બાબતે કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પેહલા ટ્વિટર) પર જણાવ્યું હતું "સોપોર પોલીસ સ્ટેશનના હાદીપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષાદળો કામ પર છે. વધુ વિગતો પછી આપવામાં આવશે."