શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પુલવામામાં જિલ્લામાં આજે એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર મરાયો છે. દુ:ખની વાત એ છે કે, આ ઓપરેશન દરમિયાન સેનાનો એક જવાન શહીદ થઈ ગયો છે. માર્યા ગયેલા આતંકીની ઓળખ હિજબુલ મુજાહિદ્દીનનો મુખ્ય કમાન્ડર આઝાદ લલહારી તરીકે થઈ છે.


પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, લલહારી, રિયાઝ નાઈકુ બાદ હિજબુલ મુજાહિદ્દીનનો મુખ્ય કમાન્ડર બન્યો હતો અને તે કાશ્મીરમાં મોસ્ટ વોન્ટેડ સ્થાનીય આતંકવાદી કમાન્ડર હતો. ડીજીપી દિલબાદ સિંહે કહ્યું કે, લલહારી વિરુદ્ધ છ ફરિયાદ નોંધાયેલી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તે 22મે ના રોજ પુલવામા શહેરમાં હેડ કોન્સ્ટેબલ અનૂપ સિંહની હત્યામાં પણ સામેલ હતો.

અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળો પુલવામાના કામરાજીપોરા ગામના એક બાગમાં આતંકવાદીઓ છુપાયા હોવાની સૂચના મળી હતી, જેના બાદ તે વિસ્તારમાં વહેલી સવારે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. તે દરમિયાન આતંકીઓ ફાયરિંગ શરુ કરી દીધું હતું. જેના બાદ સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ અથડામણમાં બે જવાન ઈજાગ્રસ્ત થયા છે.

તેમણે જણાવ્યું કે, ઓપરેશન દરમિયાન એક જવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. જેને સેનાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,જ્યાં તેણે દમ તોડ્યો હતો.