નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની આર્મી હોસ્પિટલ રિસર્ચ એન્ડ રેફરલમાં બ્રેઇન સર્જરી થઈ હતી. જે બાદ હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યા મુજબ, તેમની હાલત ગંભીર છે. આર્મી હોસ્પિટલે એક બુલેટિન જાહેર કરીને જણાવ્યું, હાલ તેઓ વેંટિલેટર પર છે.


દેશભરમાં પૂર્વ રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય માટે પ્રાથનાઓ કરવામાં આવી રહી છે. આ વચ્ચે તેઓની પુત્રી અને કોંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ પ્રણવ મુખર્જીની એક વર્ષ પહેલાંની વાતને યાદ કરી છે.

શર્મિષ્ઠાએ ટ્વીટ કરીને પ્રણવ મુખર્જીને મળેલાં ભારત રત્ન સન્માનનો દિવસ યાદ કર્યો હતો. તેણે ભાવુક થઈને લખ્યું કે, ગત વર્ષે 8 ઓગસ્ટનો દિવસ મારા જીવનનો સૌથી ખુશ દિવસમાંનો એક હતો, જ્યારે મારા પિતાને ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો. અને હવે એક વર્ષ બાદ 10 ઓગસ્ટના રોજ તે ગંભીર રીતે બીમાર થઈ ગયા છે. ભગવાન તેમના માટે સારું કરે અને મને જીવનના સુખ-દુઃખ સ્વીકારવાની શક્તિ આપે. હું તમામનો આભાર વ્યક્ત કરું છું.


બ્રેઇન સર્જરી બાદ પ્રણવ મુખર્જીની તબિયતમાં કોઈ સુધારો થયો નથી. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ તેમની સ્થિતિ વધારે બગડી છે. પૂર્વ રાષ્ટ્રપતિ હાલ વેંટિલેટર સપોર્ટ પર છે.  બુલેટિન પ્રમાણે પ્રણવ મુખર્જીને ગંભીર હાલતમાં 10 ઓગસ્ટ, 2020ના રોજ 12.07 કલાકે દિલ્હી કેંટ સ્થિત સેનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેમના મગજમાં લોહીની ગાંઠ થઈ ગઈ હોવાનું જણાયું હતું. જે બાદ ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી.  સર્જરી બાદ વેંટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.