નવી દિલ્હી: કાશ્મીરમાં હાલની પરિસ્થિતિને લઈને આજે ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, આઈબી પ્રમુખ અરવિંદ કુમાર અને કેંદ્રીય ગૃહ સચિવ ગૌબા સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.


સુત્રોની જાણકારી અનુસાર, આ બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા થઈ. કલમ 370 હટાવ્યા બાદ અને જમ્મુ કાશ્મીરને બે ભાગમાં અલગ કરી કેંદ્ર શાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય બાદ ડોભાલ ઘણા દિવસો સુધી ઘાટીમાં રોકાયા અને તેમણે પરિસ્થિતિ પર નજર રાખી હતી.

કાશ્મીરમાં આજે પ્રતિબંધમાં છૂટ આપવામાં આવી અને કેટલીક શાળાઓ ખુલી હતી. પરંતુ શાળાઓમાં વધારે વિદ્યાર્થી ન જોવા મળ્યા. અધિકારીઓએ જણાવ્યું કે સરકારે શ્રીનગરમાં 190 પ્રાથમિક શાળાઓને ખોલવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી છે જ્યારે ઘાટીમાં મોટાભાગના વિસ્તારમાં સુરક્ષા દળ હજુ પણ તૈનાત છે.

તમામ પ્રાઈવેટ શાળાઓ આજે સોમવારે સતત 15મા દિવસે પણ બંધ રહ્યા હતા કારણ કે છેલ્લા બે દિવસથી અહીં થયેલા હિંસલ પ્રદર્શનના કારણે વાલીઓ સુરક્ષાને લઈને ચિંતિત છે. પોલીસ પબ્લિક સ્કૂલ અને કેટલાક કેંદ્રીય વિદ્યાલયોમાં જ થોડા વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા.