Jammu Kashmir Assembly Latest News: જમ્મુ કાશ્મીર વિધાનસભામાં (Jammu Kashmir Assembly)  ગુરુવારે (7 નવેમ્બર 2024) ભારે હોબાળો થયો હતો. કલમ 370ને લઈને ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી પણ થઇ હતી. દરમિયાન પોસ્ટર પણ ફાડી નાખવામાં આવ્યા હતા. હંગામાને કારણે ગૃહની કાર્યવાહી 20 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી. જો કે, સવારે 10:20 વાગ્યે ફરી એકવાર ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ભાજપના ધારાસભ્યોનો હોબાળો ચાલુ રહ્યો હતો, જેને જોઈને સ્પીકરે ગૃહને આખા દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.






લાંગેટના ધારાસભ્ય શેખ ખુર્શીદ વિધાનસભામાં એક પોસ્ટર લઇને પહોંચ્યા હતા. જેમાં કલમ 370ને ફરીથી લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી. આ પોસ્ટર જોઈને ભાજપના ધારાસભ્યો ગુસ્સે થઈ ગયા અને તેમના હાથમાંથી પોસ્ટર છીનવી લીધું. આ દરમિયાન મારામારી પણ થઈ હતી. ભાજપના ધારાસભ્યોએ શેખ ખુર્શીદના હાથમાંથી પોસ્ટર લઈ લીધું અને ફાડી નાખ્યું હતું. આ પછી ભાજપના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો.






ભાજપે નેશનલ કોન્ફરન્સ પર આરોપ લગાવ્યો


ભારતીય જનતા પાર્ટીના નેતા રવિન્દ્ર રૈનાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હવે ઈતિહાસ બની ગઈ છે. ઓમર અબ્દુલ્લા સરકાર પાકિસ્તાનનું મનોબળ વધારી રહી છે. કલમ 370એ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ, અલગતાવાદ અને પાકિસ્તાની માનસિકતાને જન્મ આપ્યો છે. આવી સ્થિતિમાં વિધાનસભામાં 370 પ્રસ્તાવને ગેરબંધારણીય રીતે લાવવો અને તેને ચોરોની જેમ ઉતાવળે, ગુપ્ત રીતે રજૂ કરવો એ દર્શાવે છે કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરમાં ફરીથી સ્થિતિ બગાડવા માંગે છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે ભારત માતાની પીઠમાં ખંજર ભોંક્યું છે.






પોસ્ટર જોઈને બીજેપી ધારાસભ્ય ગુસ્સે થઈ ગયા


કલમ 370 હટાવવા માટેનું બિલ પસાર થયા બાદ ગુસ્સે ભરાયેલા ધારાસભ્યો સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.  અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે ગૃહમાં કલમ 370 હટાવવા સંબંધિત બેનર બતાવવાનું શરૂ કર્યું. આ પછી પાર્ટી અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ. ભાજપના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુનીલ શર્માએ બેનર બતાવવાનો વિરોધ કર્યો હતો. જેમ જેમ હોબાળો વધતો ગયો તેમ માર્શલે બચાવમાં આવવું પડ્યું. આ પછી ગૃહની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.