જમ્મુ -કાશ્મીરમાં ત્રણ દિવસમાં પાંચ સામાન્ય નાગરિકોની હત્યાને લઈ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેંદ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. આતંકી હુમલાની નિંદા કરતા તેમણે કહ્યું કે, "કાશ્મીરમાં હિંસાની ઘટનાઓ વધી રહી છે. આતંકવાદ ન તો નોટબંધી  દ્વારા બંધ થયો કે ના કલમ 370 હટાવીને – કેન્દ્ર સરકાર સુરક્ષા પૂરી પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. અમે અમારા કાશ્મીરી ભાઈઓ અને બહેનો પર થયેલા આ હુમલાની સખત નિંદા કરીએ છીએ અને મૃતકોના પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના મોકલીએ છીએ.


ગુરુવારે જ આતંકવાદીઓએ શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં એક મહિલા સહિત બે સરકારી શાળાના શિક્ષકોની ગોળી મારીને હત્યા કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “શ્રીનગર જિલ્લાના સંગમ ઇદગાહ વિસ્તારમાં સવારે 11.15 વાગ્યે આતંકવાદીઓ દ્વારા બે શિક્ષકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.”



આ પહેલા મંગળવારે આશરે દોઢ કલાકની અંદર આતંકવાદીઓ દ્વારા ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત માખનલાલ બિંદુરુ ની શ્રીનગર સ્થિત તેમની ફાર્મસીમાં ગોળી મારીને હત્યા કરી હતી. બિંદુરુ તેમના સમુદાયના કેટલાક લોકોમાંથી એક હતા જેમણે 1990 માં આતંકવાદ ફાટી નીકળ્યા બાદ કાશ્મીર છોડ્યું ન હતું.


બિંદુરુની હત્યા થયાના થોડીક મિનિટો બાદ આતંકવાદીઓએ શ્રીનગરના હવાલ ચોક પાસે બિહારના ભાગલપુરના રહેવાસી વિરેન્દ્ર પાસવાન નામના રોડ સાઈડ વેન્ડરને ગોળી મારી દીધી. આ પછી આતંકીઓએ ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના નાયડખાયમાં મોહમ્મદ શફી લોનની પણ ગોળી મારીને હત્યા કરી હતી.


ત્રણ અલગ અલગ જગ્યાઓ પર હુમલો


મંગળવારે આતંકવાદીઓએ એક કલાકની અંદર ત્રણ અલગ અલગ જગ્યાઓ પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત અને પ્રખ્યાત ફાર્મસી બિન્દ્રુ મેડિકેટના માલિક માખન લાલ બિન્દ્રોની હત્યા કરી હતી. બિહારના ભાગલપુર જિલ્લાના રહેવાસી વીરંજન પાસવાન પણ અન્ય એક આતંકી હુમલામાં માર્યા ગયા હતા. જિલ્લાના જગદીશપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વડે સૈદપુર ગામના રહેવાસી 56 વર્ષીય વીરંજન પાસવાનની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. છેલ્લાં અઢી વર્ષથી વીરંજન શ્રીનગરમાં ગોલગપ્પા વેચવાનું કામ કરતો હતો અને તેમાંથી મળતી આવકથી તેના પરિવારનું ભરણપોષણ કરતો હતો.