Jammu Kashmir Terrorist Attack : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં કેટલાક આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર 2 થી 3 હુમલાખોરો પોલીસના યુનિફોર્મમાં હતા. આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા અને તેમના પર ગોળીબાર શરૂ કર્યો, જેમાં બે લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પહેલગામ આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને સીઆરપીએફની ક્વિક રિએક્શન ટીમો સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.
પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો હાથ
સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. આ આતંકવાદી ઘટનામાં TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) સંગઠન સામેલ હોવાની આશંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પહેલગામની બૈસરન ઘાટીમાં ગોળીબારના અવાજો સંભળાયા હતા. બૈસરન ઘાસના મેદાનમાં ઘોડેસવારીનો આનંદ માણી રહેલા પ્રવાસીઓ પર હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
મહેબૂબા મુફ્તીએ હુમલાની નિંદા કરી હતી
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની આકરી નિંદા કરી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, "હું પહેલગામમાં પ્રવાસીઓ પરના કાયરતાપૂર્ણ હુમલાની સખત નિંદા કરું છું, જેના પરિણામે પ્રવાસીઓના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આવી હિંસા અસ્વીકાર્ય છે અને તેની નિંદા થવી જોઈએ."
ઘાયલ 8 પ્રવાસીઓના નામ સામે આવ્યા
આતંકી હુમલામાં ગુજરાતના વિનોદ ભટ્ટ, માણિક પટેલ, રીનો પાંડે ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે એસ બાલાચંદ્રુ, મહારાષ્ટ્રના ડૉ. પરમેશ્વર, કર્ણાટકના અભિજવમ રાવ, તમિલનાડુના શંત્રુ અને ઓડિશાના શશી કુમારીનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે આ આતંકવાદી હુમલા અંગે બીજેપી નેતા રવિન્દ્ર રૈનાએ કહ્યું કે પાકિસ્તાની આતંકવાદીઓએ પ્રવાસીઓ પર કાયરતાપૂર્વક હુમલો કર્યો છે કારણ કે તેઓ સેનાનો સામનો કરી શકતા નથી. કાયર આતંકવાદીઓએ કાશ્મીરની મુલાકાતે આવેલા નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા.
વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કર્યા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો ઘટનાસ્થળે હાજર છે. સેનાના અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.